હ્રદય, કીડની કે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે સમયમર્યાદા જાળવવા હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ કરવાનો થશે તો તે માટેનો ૫૦ ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આરોગ્ય રાજ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૧૬-૨૦૧૭ના રાજ્યના અંદાજપત્રમાં રાજ્ય સરકારે આ માટે વિશેષ જોગવાઇ પણ કરી છે. શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાવનગર અને સુરત અવયવ દાનમાં અગ્રેસર છે. સમગ્ર રાજ્યમાં અવયવ દાન અંગે વિશેષ જાગૃતિ કેળવાય અને લોકો આ માટે આગળ આવે તો ઘણા લોકોને નવજીવન આપી શકાય.
અમરાઇવાડીના ધારાસભ્ય હસુમખભાઇ પટેલના પ્રશ્નના જવાબમાં મંત્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘સ્ટેટ ઓફ ધી આર્ટ’ અને ‘વર્લ્ડ બેસ્ટ’ કહી શકાય એવી અમદાવાદની ઇન્સ્ટીટયુટ ઓફ કીડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરને અતિ આધુનિક બનાવવાનો નિર્ણય તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લીધો હતો. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં ૫૩,૯૬૬ ચોરસમીટર જમીન પર રૂ.૨૯૫ કરોડના ખર્ચે ૧૦ માળના અતિ આધુનિક બિલ્ડીંગનું નિર્માણ થઇ રહ્યું છે. અત્યારે નવ માળનું કામ પૂર્ણ થયું છે અને બાકીનું કામ પણ ઝડપભેર પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.
શંકરભાઇ ચૌધરીએ વેજલપુરના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ગુજરાત ગૌરવ લઇ શકે એવી આ હોસ્પિટલમાં વર્ષ-૨૦૧૫માં ૭૧ કીડની ટ્રાન્સપ્લાન્ટ અને વર્ષ-૨૦૧૬માં ૧૦૦ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન થયા હતા. જ્યારે વર્ષ-૨૦૧૫માં ૨૬ લીવર ટ્રાન્સપ્લાન્ટ અને વર્ષ-૨૦૧૬માં ૫૩ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. જે દર્દીઓ બ્રેઇન ડેડ થઇ ગયા હોય એવા દર્દીઓના સગા-સબંધીઓ હાર્ટ-લીવર-કીડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે દાન કરવા આગળ આવી રહ્યા છે. આવા દાન વધુ મળે તો ઘણા જરૂરિયાતમંદ લોકોને નવજીવન આપી શકાય.
મણિનગરના ધારાસભ્ય સુરેશભાઇ પટેલના પ્રશ્નનો જવાબ આપતાં મંત્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદની કીડની હોસ્પિટલમાં વર્ષ-૨૦૧૫માં ૧,૮૯,૦૦૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં ગુજરાતના ૧,૬૭,૦૦૦ દર્દીઓ, અન્ય રાજ્યોના ૨૧,૩૭૯ દર્દીઓ અને વિદેશના ૧૪૨ દર્દીઓએ સારવાર લીધી હતી. વર્ષ-૨૦૧૬માં ૨,૦૮,૦૦૦ દર્દીઓએ સારવાર લીધી હતી. જે પૈકીના ગુજરાતના ૧,૮૭,૦૦૦ દર્દીઓ અને રાજ્ય બહારના ૨૧,૩૧૪ દર્દીઓ તથા વિદેશના ૧૨૧ દર્દીઓએ સારવાર લીધી છે. શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગરીબ-જરૂરિયાતમંદ દર્દીઓને મોંઘીસારવાર વિનામૂલ્યે મળે તે માટે સંવેદનશીલ રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે કોઇપણ જરૂરિયાતમંદ દર્દીને યોગ્ય સારવાર મળે તે માટે મા-વાત્સલ્ય યોજના ઉપરાંત મુખ્યમંત્રી ફંડ, પ્રધાનમંત્રી ફંડ કે દર્દી ફંડમાંથી જરૂરી તમામ સહાય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.