રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભયાનક માર્ગ અકસ્માતમાં 4 લોકો જીવતા દાઝી ગયા. નેશનલ હાઈવે પર ગેસ ટેન્કર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બંને વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે લોકો કંઈ સમજી શકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ભયાનક માર્ગ અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નેશનલ હાઈવે પરથી વાહનો હટાવીને ટ્રાફિકને સુચારૂ બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અથડામણ થતાં જ ટેન્કર અને ટ્રકમાં આગ લાગી હતી, જેમાં 4 લોકો જીવતા દાઝી ગયા હતા
મળતી માહિતી મુજબ, આ અકસ્માત અજમેર જિલ્લામાંથી પસાર થતા NH પર ગુરુવારે રાત્રે થયો હતો. પોલીસે જણાવ્યું કે ટેન્કર અથડાતાં જ પેટ્રોલિયમ પેદાશ ફેલાઈ ગઈ હતી. જેના કારણે અકસ્માત સમયે ત્યાંથી પસાર થતા અન્ય બે વાહનોમાં પણ આગ લાગી હતી. રસ્તાની બાજુની દુકાનો અને મકાનો પણ તેની ઝપેટમાં આવી ગયા. અકસ્માત બાદ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.