પૂર્વોત્તરનાં રાજ્યો આસામ તેમજ મેઘાલયમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી આ પૂરના કારણે 72 લોકોનાં મૃત્યુ થયાં છે.
આસામમાં જૂન મહિનાના બીજા અઠવાડિયામાં શરૂ થયેલ ચોમાસા દરમિયાન શુક્રવાર સુધીમાં 53 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ શનિવાર અને રવિવારે અન્ય આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ ઉપરાંત પાડોશી રાજ્ય મેઘાલયમાં પણ પૂરના કારણે 18 લોકોનાં મૃત્યુ થતાં સોમવારે સવાર સુધીમાં બંને રાજ્યોનો મૃત્યુઆંક 75ની ઉપર પહોંચ્યો હતો.
આ રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ જ કપરી છે.
એ દેશો જ્યાં 'અગ્નિપથ' જેવી જ સૈન્યયોજનાઓ લાગુ છે, શું છે નિયમ અને કાયદા?
30 લાખથી વધુ લોકોને અસર
પૂરના કારણે આસામના 32 જિલ્લાના 30 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.
રાજ્યના આપત્તિ વ્યવસ્થાપનકેન્દ્ર અનુસાર, આશરે 15 લાખ અસરગ્રસ્તોને આસામમાં 500 જેટલાં પૂરરાહતકેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે.
આસામના વિવિધ ભાગોમાં બ્રહ્મપુત્ર નદી ભયજનક સપાટીથી ઘણી ઊંચે વહી રહી છે.
રાજ્યના બજલી જિલ્લાનાં 163 ગામો સંપૂર્ણપણે પૂરના પાણીમાં ડૂબી ગયાં છે. જ્યારે નલબારી જિલ્લામાં આશરે અઢી લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.
આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા શર્માએ શનિવારે કામરુપ જિલ્લાના રનિંગ્યા શહેરની મુલાકાત લીધી હતી અને તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધ, રાજ્યોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સૈન્યની મદદ લેવાઈ
આસામના મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે પૂરના અસરગ્રસ્તોના બચાવ માટે અને તેમને રાહત કૅમ્પ સુધી પહોંચાડવા બાબતની તમામ જરૂરી સૂચનાઓ સત્તાધીશોને આપવા સંલગ્ન અધિકારીઓને આદેશ અપાયા છે.
રાહતકાર્ય માટે આર્મીને પણ સ્ટૅન્ડ બાય પર રાખવામાં આવી છે. હાલમાં નૅશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ દ્વારા રાહતકાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.
શનિવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિનું આકલન કર્યું હતું અને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાય આપવાની બાંહેધરી આપી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર વરસાદ અને પૂરના કારણે પૂર્વોત્તરના અન્ય એક રાજ્ય ત્રિપુરામાં 10 હજારથી વધુ લોકો ઘરવિહોણા બન્યા છે.
નેપાળ એવરેસ્ટ બેઝ કૅમ્પ કેમ ખસેડી રહ્યું છે અને શું છે જોખમ?
ચેરાપુંજીમાં અતિભારે વરસાદ
આસામ, ત્રિપુરા સિવાય મેઘાલયમાં પણ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં પડેલા ભારે વરસાદ, ભૂસ્ખલન તેમજ પૂરના કારણે 16 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું રાજ્ય સરકારનાં સૂત્રોએ જણાવ્યું હતું.
મેઘાલયના પૂર્વમાં આવેલા ખાસી પર્વતોમાં ચેરાપુંજી ભારતમાં સૌથી વધુ વરસાદ ધરાવતો પ્રદેશ છે. શુક્રવારના દિવસે ચેરાપુંજીમાં 908.4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
હવામાનવિભાગ અનુસાર, આ પહેલાં વર્ષ 1998માં પહેલી વખત ચેરાપુંજીમાં એક દિવસમાં 900 એમ. એમથી વધુ વરસાદ પડ્યો હતો.
નોંધનીય છે કે વરસાદના કારણે બ્રહ્મપુત્ર અને બારક નદીઓમાં આવતાં મબલખ પાણીનાં લીધે આસામ, ત્રિપુરા, મેઘાલય તેમજ બાંગ્લાદેશમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે.