Publish Date: Mon, 23 Feb 2026 (15:14 IST)
Updated Date: Mon, 23 Feb 2026 (15:17 IST)
આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લાના રાજમુંદરી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં છેલ્લા 48 કલાકમાં કિડની સંબંધિત બીમારીને કારણે અચાનક 4 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 12 લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તમામ પીડિતો 65 વર્ષથી વધુ ઉંમરના હોવાનું જાણવા મળ્યું છે.
ભેળસેળિયું દૂધ પીવાથી તબિયત બગડી
પ્રાથમિક તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તમામ પીડિતોએ ભેળસેળિયા દૂધનો ઉપયોગ કર્યો હતો. આ દૂધ પીધા બાદ જ લોકોની તબિયત લથડી હતી અને ટૂંકા ગાળામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલમાં અન્ય લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
દૂધ વિક્રેતાની અટકાયત અને ડેરી સીઝ
તપાસ અધિકારીઓએ કોરુકોંડા મંડળના નરસાપુરમ ગામના એક દૂધ વિક્રેતાની અટકાયત કરી છે. તેની ગેરકાયદેસર ડેરી યુનિટને પણ તાત્કાલિક અસરથી સીઝ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિક્રેતા જે 105 પરિવારોને દૂધ સપ્લાય કરતો હતો, તેમાંથી 75 પરિવારોના સેમ્પલ લેવામાં આવ્યા છે. બીમારીનું સચોટ કારણ જાણવા માટે લેબોરેટરીમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
CM નાયડુની ઈમરજન્સી રિવ્યુ મીટિંગ
આ ઘટનાની ગંભીરતાને જોતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજી હતી. તેમણે પીડિતોને શ્રેષ્ઠ સારવાર આપવા અને આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. વિજયવાડાથી સ્પેશિયલ મેડિકલ ટીમો પણ રાજમુંદરી પહોંચી ગઈ છે.
પાણી નહીં, દૂધ નીકળ્યું કારણ
જિલ્લા વહીવટીતંત્રને જ્યારે આ બીમારીની જાણ થઈ, ત્યારે શરૂઆતમાં પાણીના સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જોકે, પાણીમાં કંઈ વાંધાજનક ન મળતા તપાસની દિશા બદલવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે તમામ પીડિત પરિવારો એક જ વિક્રેતા પાસેથી દૂધ લેતા હતા, ત્યારબાદ ભેળસેળિયા દૂધનો એંગલ સ્પષ્ટ થયો હતો.