26 જુલાઈ, 2008ના રોજ શનિવાર હતો. અમદાવાદીઓ રોજની જેમ પોતાના કામમાં વ્યસ્ત હતા, પરંતુ ક્યાં ખબર હતી કે થોડીવારમાં જ આજનો દિવસ કાયમી ઝખમ આપી જશે. સાંજ પડતાં જ શહેર સિરિયલ બોમ્બબ્લાસ્ટથી ધણધણી ઊઠ્યું હતું. શહેરમાં એક બાદ એક 70 મિનિટમાં જ 20 સ્થળે 21 બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુને ઈજા પહોંચી હતી, જેના ડેઝિગ્નેટેડ જજ અંબાલાલ પટેલે 8મી ફેબ્રુઆરી, 2022ના રોજ 6752 પાનાંનો ચુકાદો આપ્યો હતો, જેમાં 49 આરોપીને દોષિત ઠેરવ્યા છે.
જ્યારે પણ એ લોહિયાળ દિવસ યાદ આવે છે ત્યારે...
વર્ષ 2008ની 26 જુલાઇની એ સાંજ અમદાવાદ માટે ભયાવહ અને કંપારી છૂટાવી દે તેવી હતી. સાંજના સમયે શહેરમાં સિવિલ હોસ્પિટલ સહિત અનેક વિસ્તારમાં 21 જેટલા બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોના મોત થયા હતા. પરંતુ જ્યારે પણ એ લોહિયાળ દિવસ યાદ આવે છે ત્યારે માત્ર સ્વજનોને ગુમાવનાર જ નહીં પરંતુ તમામ ગુજરાતીઓની આંખો ભીની થઈ જાય છે.
14 વર્ષે પણ દીકરી જુએ છે પિતાની રાહ...
14 વર્ષ પૂર્વે સિવિલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક પરિવારે ઘરના મોભીને ગુમાવ્યા હતા. નાડીયા પરિવારના મોભી કનુભાઈ સિવિલમાં દાખલ દીકરી પાયલને મળવા ગયા હતા પછી ક્યારેય પાછા આવ્યા નથી. આ પરિવારની કરૂણતા એ છે કે ન તો તેમની કોઇ ભાળ મળી છે કે ન તો તેમનો મૃતદેહ. કનુભાઈની લાશ ન મળતા સરકારી વળતર પણ તેમને મળતું નથી. આ પરિવાર કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે.
દીકરીને ટિફિન આપવા ગયાને બ્લાસ્ટ થયા
નાડીયા પરિવારની 7 વર્ષની પાયલ સિવિલમાં ન્યૂમોનિયાની સારવાર લઇ રહી હતી અને C7 વોર્ડમાં દાખલ હતી. પિતા કનુભાઈ નાનું મોટું કામ કરતા જ્યારે પરિવારના અન્ય સભ્યો કચરો વીણવાનું કામ કરતો હતો. માતા કે પિતા સતત પાયલ સાથે રહી શકે તેમ ન હતા. જેથી બન્નેએ વારા ફરતી પાયલ પાસે જવાનું નક્કી કર્યું હતું. જે મુજબ 26 જુલાઈ 2008ના રોજ કનુભાઈ દીકરી પાયલને ટિફિન આપવા માટે સિવિલ ગયા હતા. એ જ સમયે સિવિલમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા. સિવિલમાં લોકોની લાશના બદલે માત્ર માંસના લોચા જ મળ્યા હતા. આ વિસ્ફોટ બાદથી કનુભાઈની કોઇ ભાળ નથી.