મોરબીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. વેપારી યુવાન તેના પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા એસપી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. જેમાં મૃતક યુવાન દ્વારા જીવનથી કંટાળી ગયેલ હોઇ અને આ પહેલું ભરવા પાછળ કોઈનો દોષ નથી અને કોઈએ રડવું નહીં એવા ઉલ્લેખ કર્યો છે. જેથી પોલીસે આ સુસાઇડ નોટ કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે.મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારની અંદર આવેલ રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા હરેશભાઈ કાનાબાર, તેમનાં પત્ની વર્ષાબેન અને દીકરા હર્ષ કાનાબારએ ઘરની અંદર છતમાં લગાવેલા હુક સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને આ બનાવ અંગેની મૃતક વર્ષાબેનનાં બહેનને જાણ થતાં તેમણે મૃતક હરેશભાઈના ભાઈ પંકજભાઈને બનાવની જાણ કરી હતી અને ત્યાર બાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના આ બનાવની જાણ કરી હતી.પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હરેશભાઈ કાનાબારના દરવાજાની ચાવી દરવાજામાં લટકતી હતી અને દરવાજો ખોલીને જોતાં ત્યાં ઘરની અંદર ત્રણેય વ્યક્તિઓએ આપઘાત કરેલો હતો.
જેથી કરીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘરની અંદરથી એક સુસાઇડ નોટ મળી આવેલ છે જેમાં હરેશભાઈ કાનાબારની નીચે સહી કરેલી છે અને “તે જીવનથી કંટાળી ગયા છે અને તેમના પરિવારે ભરેલા આ પગલા માટે કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં” એવો ઉલ્લેખ તેમણે પોતાની સુસાઇડ નોટમાં કરેલ છે.
જોકે આ સુસાઇડ નોટ ખરેખર હરેશભાઈ લખી છે કે અન્ય કોઈએ તે પણ એક તપાસમાં વિષય છે. સ્થળ ઉપર એકત્રિત થયેલા લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આર્થિક મૂંઝવણના કારણે હરેશભાઈ કાનાબાર અને તેના પરિવારે આ પગલું ભર્યું હોય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.