ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મણિપુરમાં 60 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 3 માર્ચે થશે. 10 માર્ચે પરિણામ જાહેર થશે. રાજ્યમાં ચૂંટણી કાર્યક્રમને લઈને તારીખોની જાહેરાત થયા બાદ અહીં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. મણિપુર વિધાનસભામાં 60 બેઠકો છે અને હાલમાં ભાજપની સરકાર છે.
મણિપુરમાં ચૂંટણીની તારીખો જાહેર
60 બેઠકો ધરાવતી મણિપુર વિધાનસભાનો કાર્યકાળ 19 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આ પહેલા રાજ્યમાં સરકાર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. 2017 ની મણિપુર વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે NPP અને કેટલાક અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી અને એન બિરેન્દર સિંહ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. આવી સ્થિતિમાં ભાજપ સામે સત્તા બચાવવાનો મોટો પડકાર છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2022માં ભાજપે રાજ્યમાં જીતવા માટે 40 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે.
2017ની ચૂંટણીમાં, ભાજપે મણિપુરમાં માત્ર 21 બેઠકો જીતી હતી, જેના કારણે ભાજપને સરકાર બનાવવા માટે 60 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે અન્ય પક્ષોનો ટેકો લેવો પડ્યો હતો. તે સમયે સૌથી વધુ બેઠકો જીતનાર કોંગ્રેસને 28 બેઠકો જીત્યા બાદ પણ રાજ્યની સત્તામાંથી બહાર થવું પડ્યું હતું.
એડીઆરના રિપોર્ટ પ્રમાણે ગોવામાં ગત પાંચ વર્ષમાં લગભગ 24 ધારાસભ્યોએ એક પાર્ટી છોડીને બીજા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. જે 40 સભ્યોની રાજ્ય વિધાનસભાની કુલ સંખ્યામાં 60 ટકા છે. એડીઆર પોતાના રિપોર્ટમાં કહ્યું કે આ મામલામાં ગોવાએ એક વિચિત્ર રેકોર્ડ બનાવ્યો છે.