Rohan Gupta - લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. ઘણા મોટા નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. ત્યારે આજે સોમવારે વધુ એક મોટો ઝટકો પક્ષને લાગ્યો છે. જેમાં અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર થયેલા રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા કોંગ્રેસના મોટા ગજાના નેતા છે જો કે તેઓએ પણ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે તેવું જાણવા મળી રહ્યું છે.
પત્ર શૅર કરતાં તેમણે લખ્યું, મારા પિતાની તબિયત નાદુરસ્ત હોઈ એમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાંથી મારી ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. પક્ષ દ્વારા જે પણ ઉમેદવાર પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર રહેશે.
રાજકુમાર ગુપ્તા અગાઉ કોંગ્રેસમાં ઉપપ્રમુખ, ખજાનચી તેમજ મહામંત્રી તરીકેના પદ ઉપર રહી ચુક્યા છે.ઉલ્લેખનીય છે કે, રોહન ગુપ્તાએ પોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત X ઉપર રાત્રે 10.17 કલાકે કરી છે. તેણે ચૂંટણી નહીં લડવા પાછળ પોતાના પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું છે. પિતાની તબિયત સારી ન હોવાથી હાલ તેઓ આ જવાબદારી સાંભળી શકે તેમ ન હોવાથી પોતે આ ચૂંટણીમાં જાહેર થયેલું પોતાનું નામ પરત ખેંચે છે અને અન્ય કોઈ કાર્યકર્તાને તક આપવા જણાવ્યું છે.