Rupala controversy will be settled soon: Mandhatasinh
લોકસભા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓએ વડાપ્રધાન મોદીને સમર્થન કર્યું છે. રાજવી માંધાતાસિંહે વડાપ્રધાનને સમર્થન કરવા સાથે કહ્યું કે, PM મોદીના કારણે ભારતમાં સૂર્યોદય થયો છે. 2024ની ચૂંટણી સનાતન ધર્મ માટેની ચૂંટણી છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી પ્રધાનમંત્રી મોદી આગળ વધી રહ્યા છે. આપણે તમામે સાથે મળીને પ્રચંડ પ્રચાર કરવા સાથે મતદાન કરવાની જરૂર છે. તેમણે રૂપાલાના વિવાદ અંગે કહ્યું કે, સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે ટુંક સમયમાં આ વિવાદનું નિરાકરણ આવશે.
સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે
માંધાતાસિંહે નિવેદન આપતા કહ્યું કે, બધા સાથે મળીને પ્રચંડ પ્રચાર અને મતદાન કરીએ. અત્યારે સનાતન માટે સારો યુગ આવ્યો છે. અયોધ્યા, દ્વારકા અને અન્ય જગ્યાએ મંદિરનો વિકાસ થયો છે. રૂપાલાના વિરોધ અંગે માંધાતાસિંહે કહ્યું કે, સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે, ટુંક સમયમાં વિવાદનું નિરાકરણ આવશે. ક્ષત્રિય સમાજના ઉત્કર્ષ માટે મેં ઘણા વિચારો કર્યા છે. ભારતમાં સ્થિર અને મજબૂત સરકારની આવશ્યકતા છે. વર્તમાન 2024ની લોકસભાની ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી. ઘાસમાં આગ લાગી હોઈ ત્યારે તેના પર પાણીનો છંટકાવ કરી બુઝાવવા કરતા ઘાસના અન્ય પોરા બચાવી લેવા જોઈએ.
આપણે રાષ્ટ્રના ઉત્થાન માટે નરેન્દ્ર ભાઈને સમર્થન આપીએ
માંધાતાસિંહ જાડેજાએ કહ્યુ કે, રાજાશાહી યુગના તપસ્વી, ત્યાગી અને પરાક્રમી જેમ નરેન્દ્ર મોદી નામનો ગુજરાતી નરબંકો ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. આપણે પ્રચંડ જનસમર્થન બતાવીને પૂર્ણ બહુમતી નરેન્દ્રભાઇ મોદીને આપીએ. માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યુ કે, રાજવીઓ જેમ કાર્ય કરતા હતા તેમની માફક નરેન્દ્ર ભાઇ પણ કાર્ય કરી રહ્યા છે. કમળનું ફૂલ શુધ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું છે. રાજવીઓનું સંપૂર્ણ સમર્થન નરેન્દ્રભાઇ સાથે છે. મારા ક્ષત્રિય સમાજને કરબધ્ધ રીતે હું અપીલ કરૂ છું આપણે રાષ્ટ્રના ઉત્થાન માટે નરેન્દ્ર ભાઈને સમર્થન આપીએ.