ગુજરાતમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે રૂપાલા સામે લડી લેવાના મુડમાં જણાઈ રહી છે. ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવા જનાર પાંચ ક્ષત્રિયાણીઓને હાલમાં બોપલ ખાતેના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા છે. બોપલ ખાતે મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વિરભદ્રસિંહની અટકાયત કરાઈ છે. મહિપાલસિંહ અને વીરભદ્રસિંહની અટકાયક કરવામાં આવતા ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે સહેજ ઘર્ષણ થયું હતું.
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
મહિપાલસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજપૂત સમાજના એટલા ખરાબ દિવસો આવ્યા નથી કે, મહિલાઓને જોહર કરવું પડે તેમના રાજપૂત ભાઈ જીવતા છે. અમે એ સમાજમાંથી આવીએ છીએ કે, માથુ કપાઈ જાય અને ધડ લડે. અમે ડરીને ઘરે બેસી ગયા નથી. અમે અમારી બહેનોને જોહર કરવા દઈશું નહીં.અમદાવાદના બોપલમાં મહિપાલસિંહ સહિતના આગેવાનો બોપલ જોહર કરવાનો મક્કમ મનોબળ ધરાવતી ક્ષત્રિયાણીઓને મનાવવા પહોંચ્યા છે. અહીં ક્ષત્રિયાણીઓને જોહર ન કરવા માટે સમજાવવામાં આવી હતી. ઝોન 7 ઇન્ચાર્જ DCP વિશાખા ડબરાલ પણ બોપલ સમર્પણ બંગ્લોઝ પહોંચ્યા છે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હાજર છે. બોપલ ખાતે જૌહર કરવાની જાહેરાત કરનાર મહિલાઓને નજરકેદ કરાઈ છે. તેમના ઘરની બહાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બોયકોટ રૂપાલાના બેનર લાગ્યા હવે બોયકોટ બીજેપીના બેનર લાગશે
મહિલાઓએ આજે સાંજે 4 વાગ્યે કમલમમાં જવાની જાહેરાત કરી છે. મહિલાઓ હજી સુધી ઘરમાં જ નજરકેદ છે. મહિપાલસિંહે કહ્યું હતું કે, સાંજે રૂપાલાના ક્ષેત્રમાં રાજકોટ જઈશું અને સભા કરીશું. દરેક વખત અમારી બહેન દીકરીઓને કેમ ટાર્ગેટ કરાય છે. કોઈ ટિપ્પણી મારા પર થાય તો માફી આપી દેત પણ દીકરી પર ટિપ્પણી થઈ તે માફ નહિ કરીએ. 'કમળ કા ફૂલ હમારી ભૂલ' આ સ્લોગન અમે ચલાવીશું. અબકી બાર પાર્લામેન્ટની બહાર કરી દઈશું. અમારા સમ્માન પર વાત આવશે તો અમે આર પારની લડાઈ લડીશું. મહિપાલસિંહ મકરાણાએ વધુમાં કહ્યું હતું કે, અમે રૂપાલા વિરુદ્ધ 24 રાજ્યોમાં જઈશું, રાજપૂત અડધો સમાજ સમર્પણ કરી ચૂક્યો છે, સમાજ એક હોત તો અલ્ટિમેટમ આપી દીધું હોત, બોયકોટ રૂપાલાના બેનર લાગ્યા છે તો હવે બોયકોટ બીજેપીના બેનર લાગશે. જે વ્યક્તિ બહેન દીકરીની ઈજ્જત નથી કરતો તેને સંસદમાં અમે નહિ જવા દઈએ.