નામાંકન પત્રમાં ખામી જોવા મળતા વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ગઠબંધન ઉમેદવાર તેજ બહાદુર યાદવનુ નામાંકન રદ્દ થઈ ગયુ છે. તેજ બહાદુર નક્કી સમય સીમાની અંદર પોતાના ડોક્યુમેંટ જમા ન કરી શક્યા જેને કારણે ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે ચૂંટણી પંચે તેજ બહાદુર યાદવને નોટિસ રજુ કરી હતી. જેમા કહેવામાં આવ્યુ હતુ કે તેજબહાદુર યાદવે પોતાનુ નામાંકન માટે આપેલ સોગંધનામામાં નોકરી પરથી ત્યાગપત્ર માટે બે જુદા જુદા કારણ બતાવ્યા છે. ચૂંટણી પંચે ગઈકાલે મતલબ બુધવારે 11 વાગ્યા સુધી જવાબ આપવા માટે કહ્યુ છે. સાથે જ એ પણ સલાહ આપી છે કે જો મામલાને લઈને સંતોષજનક જવાબ ન મળ્યો તો નામાંકન રદ્દ થઈ શકે છે.
નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે તેજ બહાદુર યાદવે જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ફૉર્મ ભર્યું ત્યારે તેમાં પૂછવામાં આવેલા સવાલ - 'શું તમને સરકારી સેવામાં ભ્રષ્ટાચાર અથવા દેશદ્રોહના આરોપમાં ક્યારેય બરતરફ કરવામાં આવ્યા છે?' આ સવાલના જવાબમાં તેજ બહાદુરે પ્રથમ ફૉર્મમાં 'હા' જવાબ લખ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અનુસાર તેજ બહાદુરે જ્યારે 29 એપ્રિલના રોજ બીજું ફૉર્મ ભર્યું તો તેની સાથે તેમણે એક સોગંદનામું પણ આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે 24 એપ્રિલના રોજ જે ફૉર્મ ભર્યું હતું તેમાં ભૂલથી 'હા' લખાઈ ગયું હતું.
ચૂંટણીપંચના એક અધિકારીનું કહેવું છે કે લોક પ્રતિનિધિત્વના કાયદામાં જોગવાઈ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના કોઈ કર્મચારીને તેમની સેવામાંથી કોઈ આરોપસર બરતરફ કરવામાં આવ્યા હોય તો તેઓ પાંચ વર્ષો સુધી ચૂંટણી લડી શકતા નથી. વારાણસી લોકસભાની બેઠક પરથી કુલ 101 ઉમેદવારીપત્રકો ભરવામાં આવ્યાં છે, જેમાંથી 71ને રદ કરી દેવામાં આવ્યાં છે.
બે વર્ષ પહેલાં બીએસએફના જવાન તેજ બહાદુર યાદવ સમાચારોમાં ચમક્યા હતા. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેમણે જવાનોને મળતા ભોજન અંગે ફરિયાદ કરી હતી. તેમણે પોતાના વીડિયોમાં કૅમ્પમાં રહેતા જવાનોની કઠિન જિંદગી વિશે પણ ચર્ચા કરી હતી. તેમનો આરોપ હતો કે અધિકારીઓને ફરિયાદ કર્યા બાદ પણ કંઈ નિરાકરણ ન આવતા આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો પડ્યો હતો. તેમનો આરોપ હતો કે ગૃહ મંત્રાલયને પણ ચીઠ્ઠી લખવામાં આવી હતી છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી. તેજ બહાદુર યાદવના વીડિયોએ બીએસએફ અને રાજકીયક્ષેત્રે ઊથલપાથલ મચાવી દીધી હતી.
બીએસએફે તેમના આરોપો અંગે તપાસ કરાવી અને પછી તેજ બહાદુરને કાઢી મૂક્યા હતા.