લોકસભા ચૂંટણી 2019-
લોકસભાની ચૂંટણીમાં આ વખતે ઉમેદવારોના પસંદગી કરવી ભાજપ હાઇકમાન્ડે માટે માથાનો દુખાવો બન્યો છે. અત્યાર સુધીમાં ભાજપ 19 ઉમેદવારો જાહેર કર્યાં છે. ટિકિટની વહેંચણી બાદ ભાજપમાં જાણે આંતરિક રોષની આગ ભભૂકી ઉઠી છે. ચારેકોર દાવેદારોના સમર્થનમાં પોસ્ટરવોર જામ્યો છે. આ ઉપરાંત ભાજપની નેતાગીરીને રાજકીય સબક શિખવાડવા અસંતુષ્ટોનો બેઠકોનો દોર ચાલી રહ્યો છે તે જોતાં ભાજપના નેતાઓની ય ચિંતા વધી છે.
રાજકોટમાં મોહન કુંડારિયાને ભાજપે પુ:ન ટિકિટ આપી છે જેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. વાંકાનેર ભાજપમાં ભડકો થયો છે. ભાજપના નેતા જીતુ સોમાણીએ બળવો પોકાર્યો છે. તેમણે ભાજપ વિરુધ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવવા એલાન કર્યુ છે. આ તરફ,રાદડિયા પરિવારના સભ્યને ટિકિટ આપવાની માંગ બુલંદ બની છે. કેશોદ,જેતપુર, ધોરાજીમાં પોસ્ટરો લાગ્યાં છેકે,ટિકિટ નહી તો ભાજપ નહી. સમર્થકોની માંગ છતાંય હાઇકમાન્ડે વિઠ્ઠલ રાદડિયાનુ પત્તુ કાપ્યુ છે જેના લીધે રાદડિયાના સમર્થકો નારાજ થયાં છે.
પંચમહાલમાં રાજકીય ધમકી આપી હોવા છતાંય પ્રભાતસિંહ ચૌહાણને ભાજપ હાઇકમાન્ડે ટિકિટ આપી નહીં. પત્તુ કપાતાં પ્રભાતસિંહ પણ બળવાના મૂડમાં છે. તેમણે હાઇકમાન્ડ વિરુધ્ધ બાંયો ખેંચી છે.મોડી સાંજે પ્રભાતસિંહ ચૌહાણે સમર્થકોની એક બેઠક બોલાવી હતી.તેમણે એમ પણ કહ્યુંકે, સમાજને પૂછીને નિર્ણય કરીશ. બનાસકાંઠામાં ય સાંસદ હરિ ચૌધરીને ટિકિટ ન મળતાં સમર્થકો ભારોભાર નારાજ થયાં છે. હજુ મહેસાણા,પાટણ સહિત કુલ સાત બેઠકો પર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનુ કોકડુ ગૂંચવાયુ છે. કુલ મળીને આ વખતે ભાજપમાં બળવાની પરિસ્થિતીનુ નિર્માણ થયુ છે.