એક વખત અકબર બાદશાહના ધર્મગુરુ મકકાથી આવ્યા. મહેલમાં તેનું ઘણું સ્વાગત થયું. થોડા દિવસ રહીને તે પાછા મકકા ચાલ્યા ગયા. ત્યારે વાતવાતમાં બાદશાહે બીરબલને પૂછયું,''બીરબલ,તારે કોઈ ગુરુ છે કે નહીં?''
''જહાંપનાહ! મારા પણ એક ગુરુ છે. પરંતુ તેઓ કયાંય આવતા જતા નથી. મારા ગુરુ કોઈને પણ પોતાની જરૃરિયાત નથી
કહેતા, અને કોઈ પાસે કાંઈ માંગતા પણ નથી.'' તેઓને કોઈ વાતની લાલચ નથી. બીરબલે જવાબ આપ્યો.
આ વાત સાંભળી બાદશાહના મનમાં બીરબલના ગુરુ પ્રત્યે શ્રદ્ધા પ્રગટ થઈ તેમણે બીરબલના ગુરુને મળવાની ઈચ્છા વ્યકત કરી.
બાદશાહ સાથે વાત કરી,બીરબલ મહેલની બહાર આવ્યો. રસ્તામાં તેણે એક વૃદ્ધ કઠિયારાને લાકાડાની ભારી માથે લઈને જતો જોયો. બીરબલ તે કઠિયારાને પોતાને ઘેર લઈ ગયો. તેણે કઠિયારાને પૂછયું,''એવું જણાય છે કે તું ઘણી મુશ્કેલીથી તારું ગુજરાન ચલાવી રહ્યો છે ! તું મારું કહ્યું માનીશ તો હું તને ગરીબી માંથી મુકત કરાવીશ. કઠિયારો સહમત થયો એટલે બીરબલે તેને સાધુનો વેશ પહેરાવી,એક મંદિરના ઓટલા પર વાઘનું ચામડું પાથરી બેસાડયો અને સૂચના આપી,''જો હવે તને સાધુ સમજીને ઘણાં મોટા મોટા માણસો મળવા આવશે. તે તને જ ગમે તેવો લલચાવે પરંતુ કોઈ પણ પાસેથી કાંઈ લેતો નહીં. જો તું કાંઈ પણ લઈશ તો હું તને મોતની સજા આપીશ. હું છુપાઈને તારા પર નજર રાખીશ.''
વૃદ્ધ કઠિયારાએ બીરબલની બધી વાત માન્ય રાખી. ત્યાર પછી બીરબલ અકબરના દરબારમાં ગયો. ત્યાં તેણે બધાની વચ્ચે બાદશાહને કહ્યું, ''મહારાજ, હમણાં મારા ગુરુ નગરમાં પધાર્યા છે. તેઓ બહુ ઓછા માણસોને મળે છે, પરંતુ મેં વિનંતી કરી છે તેથી તે આપ સૌને દર્શન દેવા તૈયાર થયા છે. તમે લોકો તેમના દર્શન કરવા જઈ શકો છો.''
અકબર બાદશાહ થોડા દરબારીઓને લઈ બીરબલના ગુરુને મળવા ગયા,ત્યારે બીરબલ કોઈ બહાનું કરી તેમની સાથે ન ગયો.બાદશાહે શ્રદ્ધાથી માથું નમાવી ગુરુને પૂછયું,''ગુરુજી,તમારું નામ તથા સરનામું મને બતાવાની મહેબાની કરશો?''
ગુરુએ કાંઈ પણ જવાબ ન આપ્યો અને પોતાના ઘ્યાનમાં મગ્ન રહેવાનો ઢોંગ કર્યો.
અકબરે કહ્યું,''હું હિંદસ્તાનનો બાદશાહ છું. તમારી બધી ઈચ્છા પૂરી કરી શકું તેમ છું. તેથી મારી વાત માનો.''
તેમ છતાં ગુરુએ કાંઈ પણ જવાબ ન દીધો તેથી બાદશાહે કિંમતી જવેરાત ગુરુના પગ પાસે મુકી દીધા. તેમ છતાં ગુરુએ તેના પર નજર પણ ન કરી તેથી બાદશાહ નિરાશ થઈ ચાલ્યા.
બીજે દિવસે બાદશાહે બધી વાત કરી, અને બીરબલને પૂછયું, જો કોઈ મૂર્ખ માણસ મળે તો શું કરવું જોઈએ?''
બીરબલ બાલ્યો,''મૂર્ખ માણસ સામે મૂંગા જ રહેવું જોઈએ.''બીરબલનો આ જવાબ સાંભળી બાદશાહનું રહ્યું સહ્યું માન પણ જતું
રહ્યું. તેમણે એમ વિચારેલું કે તેઓ બીરબલના ગુરુને મૂર્ખ સાબિત કરશે પરંતુ પોતે જ મૂર્ખ બની ગયા. ત્યારે બીરબલે કહ્યું,''માટે જ મેં તમને પહેલેથી મારા ગુરુના સ્વભાવ વિશે કહ્યું હતું. પરંતુ તમને ધનનું અભિમાન હતું.''બાદશાહ શરમાઈ ગયા.