Publish Date: Wed, 02 Sep 2026 (11:01 IST)
Updated Date: Tue, 01 Sep 2026 (11:04 IST)
જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે. તેમાં ધાણાની પંજરી એક પરંપરાગત અને લોકપ્રિય પ્રસાદ છે. ખાસ કરીને જન્માષ્ટમીના ઉપવાસ બાદ પણ ધાણાની પંજરી પ્રસાદ તરીકે ખાવામાં આવે છે. આ પંજરી સ્વાદિષ્ટ હોવાની સાથે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે.
ધાણાની પંજરી બનાવવા માટે જરૂરી સામગ્રી
100 ગ્રામ સુકાનો ધાણાનો પાવડર
3થી 4 મોટી ચમચી દેશી ઘી
અડધો કપ દળેલી ખાંડ અથવા સાકર
2 મોટી ચમચી ઝીણા સમારેલા કાજુ, બદામ અને કિસમિસ
2થી 3 મોટી ચમચી છીણેલું સૂકું નાળિયેર
1 મોટી ચમચી મગજતરીનાં બીજ અથવા ચારોળી
ધાણાની પંજરી બનાવવાની રીત
1. ધાણાનો પાવડર શેકો
સૌપ્રથમ કઢાઈમાં એક ચમચી દેશી ઘી ગરમ કરો. તેમાં ધાણાનો પાવડર ઉમેરીને ધીમા તાપે 2થી 3 મિનિટ સુધી શેકો. ધાણામાંથી સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી તેને એક વાસણમાં કાઢી લો. ધ્યાન રાખો કે ધાણા બળી ન જાય.
2. ડ્રાયફ્રૂટ્સ અને નાળિયેર શેકો
હવે એ જ કઢાઈમાં બાકીનું ઘી ઉમેરો. તેમાં કાજુ, બદામ, ચારોળી અને મગજતરીનાં બીજ નાખીને થોડા શેકી લો. ત્યારબાદ તેમાં છીણેલું સૂકું નાળિયેર અને કિસમિસ ઉમેરીને લગભગ એક મિનિટ સુધી સાંતળો.
3. બધી સામગ્રી મિક્સ કરો
શેકેલા ડ્રાયફ્રૂટ્સ અને નાળિયેરના મિશ્રણને થોડું ઠંડુ થવા દો. મિશ્રણ હૂંફાળું અથવા ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં શેકેલો ધાણાનો પાવડર અને દળેલી ખાંડ ઉમેરો.
હવે બધી સામગ્રીને ચમચી અથવા હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ધાણાની પંજરીનો પ્રસાદ. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને ભોગ ધરાવીને પરિવાર સાથે તેનો પ્રસાદ લઈ શકાય છે.