Publish Date: Wed, 09 Sep 2026 (11:45 IST)
Updated Date: Wed, 09 Sep 2026 (11:54 IST)
Apple આજે 9 સપ્ટેમ્બરે પોતાના મોટા Surprise and Shine ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ ઇવેન્ટમાં કંપની iPhone 18 Pro અને iPhone 18 Pro Max સાથે પોતાનો પ્રથમ ફોલ્ડેબલ iPhone પણ રજૂ કરી શકે છે. લીક્સ અને રિપોર્ટ્સમાં આ ફોલ્ડેબલ ફોનને iPhone Ultra નામ આપવામાં આવી રહ્યું છે.
આ વખતે Appleના સપ્ટેમ્બર ઇવેન્ટની ખાસ વાત એ છે કે તેમાં બેઝ iPhone મોડલ જોવા નહીં મળે. iPhone 18, iPhone 18e અને બીજી જનરેશનના iPhone Airને કંપની બાદમાં લોન્ચ કરી શકે છે.
આજે યોજાશે Appleનું મોટું ઇવેન્ટ
Appleનું Surprise and Shine ઇવેન્ટ આજે 9 સપ્ટેમ્બરે રાત્રે 10:30 વાગ્યે IST પર Apple Park, Cupertino ખાતે યોજાશે. આ ઇવેન્ટ નવા CEO જોન ટર્નસ માટે પણ ખાસ છે, કારણ કે 1 સપ્ટેમ્બરે તેમણે ટિમ કુક પાસેથી Appleના CEO તરીકેની જવાબદારી સંભાળી છે.
આ વખતે નવા iPhoneની કિંમતને લઈને પણ લોકોની નજર રહેશે. 2026માં મેમરીની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે અને Appleએ જૂન મહિનામાં Mac તથા iPadની કિંમતોમાં પણ વધારો કર્યો હતો. આવી સ્થિતિમાં નવા iPhoneની કિંમત અગાઉના મોડલની સરખામણીમાં આશરે 9 હજારથી 26 હજાર રૂપિયા સુધી વધુ હોઈ શકે છે.
iPhone Ultra હશે Appleનો પ્રથમ ફોલ્ડેબલ iPhone
આ ઇવેન્ટનું સૌથી મોટું આકર્ષણ Appleનો પ્રથમ ફોલ્ડેબલ iPhone બની શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ફોનમાં બુક-સ્ટાઇલ ફોલ્ડિંગ ડિઝાઇન આપવામાં આવી શકે છે. ફોન ખોલ્યા બાદ તેની સ્ક્રીન પહોળી થઈ જશે.
લીક્સ અનુસાર, તેમાં 5.4થી 5.5 ઇંચની બહારની ડિસ્પ્લે અને લગભગ 7.8 ઇંચની ઇન્ટરનલ OLED ડિસ્પ્લે મળી શકે છે. ફોન ખુલેલી સ્થિતિમાં લગભગ 4.5mm અને ફોલ્ડ કર્યા બાદ આશરે 9mm જાડો હોઈ શકે છે.
ફોલ્ડેબલ ડિઝાઇનમાં જગ્યા બચાવવા માટે Apple Face IDને બદલે પાવર બટનમાં Touch ID આપી શકે છે. કેમેરાની વાત કરીએ તો પાછળ 48MP મેઇન અને 48MP અલ્ટ્રા-વાઇડ કેમેરા મળી શકે છે. તેમાં ટેલિફોટો કેમેરા ન હોવાની શક્યતા છે. બંને ડિસ્પ્લે પર અલગ-અલગ ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે.
iPhone 18 Proના સંભવિત સ્પેસિફિકેશન
ફીચર સંભવિત સ્પેસિફિકેશન
ડિસ્પ્લે 6.3 ઇંચ LTPO+ OLED
પ્રોસેસર A20 Pro, 2nm
રેમ 12GB
મેઇન કેમેરા 48MP, વેરિયેબલ અપર્ચર
અન્ય કેમેરા 48MP અલ્ટ્રા-વાઇડ + 48MP ટેલિફોટો
Dynamic Island આશરે 35% નાનું
બેટરી 4,288mAh
કનેક્ટિવિટી Apple C2 મોડેમ, સેટેલાઇટ 5G
કલર Dark Cherry, Light Blue, Silver, Dark Grey
સંભવિત કિંમત 1,299-1,399 ડોલર, આશરે ₹1.14-1.23 લાખ
iPhone 18 Pro Maxમાં શું મળશે?
iPhone 18 Pro Maxમાં 6.9 ઇંચનું LTPO+ OLED ડિસ્પ્લે મળી શકે છે. ફોનનું સૌથી મોટું અપગ્રેડ તેની બેટરી હોવાનું માનવામાં આવે છે.
રિપોર્ટ્સ અનુસાર, iPhone 18 Pro Maxમાં 5,567mAhની બેટરી મળી શકે છે. જોકે ચીનના મોડલમાં ફિઝિકલ SIM સ્લોટને કારણે બેટરી ક્ષમતા 5,391mAh હોઈ શકે છે.
ફોનનું વજન આશરે 240 ગ્રામ રહેવાની શક્યતા છે અને તે અગાઉના મોડલ કરતાં લગભગ 0.25mm વધુ જાડો હોઈ શકે છે. કેમેરાની વાત કરીએ તો વેરિયેબલ અપર્ચર કેમેરા માત્ર Pro Max મોડલ સુધી મર્યાદિત રહેવાની પણ ચર્ચા છે.
જોકે, આ તમામ સ્પેસિફિકેશન અને કિંમતો હાલમાં લીક્સ તથા અહેવાલો પર આધારિત છે. Appleના સત્તાવાર ઇવેન્ટમાં જ અંતિમ ફીચર્સ, કિંમત અને ઉપલબ્ધતાની પુષ્ટિ થશે.