Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

PT Usha Birthday- પી ટી ઉષા વિશે માહિતી

PT Usha Birthday- પી ટી ઉષા વિશે માહિતી
, મંગળવાર, 27 જૂન 2023 (09:51 IST)
PT Usha Birthday- ભારતીય એથલેટીક જગતમાં સળંગ બે દાયકા સુધી એકહથ્થુ શાસન ભોગવનાર પાયોલી તેવારાપારામ્પલી ઉષા એટલે આપણી ગોલ્‍ડન ગર્લ પી.ટી.ઉષા. પી.ટી.ઉષા ને ભારતની અત્યાર સુધીની કોઈપણ રમતમાં શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓમાંથી એક કહી શકાય. કેરલના કાલીકટ પાસેના નાનકડા ગામ મેલાડી પાયોલીમાં જન્મેલી પી.ટી.ઉષાએ એથલેટીક ક્ષેત્રે તેના સપના પૂરા કરવા ગરીબી અને નબળા સ્વાસ્થ્ય જેવી મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો. જો કે કહેવાય છે ને કે મનુષ્ય ધારે તો શું ના કરી શકે? કંઈક આવા જ વિશ્વાસ સાથે પી.ટી.ઉષાએ એથલેટીક ક્ષેત્રે જંપલાવ્યું.
 
ઉષાના આત્મવિશ્વાસ અને ઉત્સાહને લીધે બહુ નાની જ વયે તેને કેરલની રાજ્ય સરકાર દ્રારા 250 રૂપિયાની સ્પોર્ટસ્ સ્કોલરશીપ માટે પસંદગી કરવામાં આવી. જેની મદદથી તેણે કેન્નોરની સ્પેશિયલ સ્પોર્ટસ્ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને આટલી નજીવી સ્કોલરશીપના સહારે જ ઉષાએ રમતગમત ક્ષેત્રે તેની કારકિર્દી ઘડી. સ્પોર્ટસ્ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન કોચ ઓ.એમ.નામ્બિયાર, કિશોરી પી.ટી.ઉષાની રમતગમત ક્ષમતા પ્રત્યે આકર્ષાયા અને તેમણે ઉષાને કોચિંગ માટે તેમની ટીમમાં સામેલ કરી લીધી.
 
ઉષાએ 1980ની મોસ્કો ઓલમ્પિક દ્વારા તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી. પણ 1982ની એશિયન ગેમ્સ દ્વારા તે પ્રકાશમાં આવી. નવી દિલ્હી ખાતે રમાયેલી એશિયન ગેમ્સમાં ઉષાએ 100 મીટર અને 200 મીટરની દોડમાં સીલ્વર મેડલ હાંસલ કર્યો. 1985માં જકાર્તા ખાતે એશિયન મીટ્સમાં સ્પ્રીન્ટ ક્વીન ઉષાએ પાંચ ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીતીને તેની પ્રતિભાના પારખા કરાવ્યા. ઉષાની આ મેડલ દોડ તેના પછીના વર્ષે સેઉલ ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ચાલુ રહી. ત્યાં ઉષાએ ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ હાંસલ કર્યો.
 
1984ની લોસ એન્જેલીસ ઓલમ્પિકમાં ઉષાના જીવનની સૌથી યાદગાર ક્ષણ આવી. તે જ ક્ષણ ઉષા માટે સૌથી દુ:ખદ પણ પૂરવાર થઈ. ઉષા લોસ એનજેલીસ ઓલમ્પિકમાં 400 મીટર હર્ડલમાં બ્રોન્ઝ મેડલ જીતવા માત્ર સેકન્ડના સોમા ભાગ જેટલા નજીવા અંતરથી વંચિત રહી. તેણે તે દોડમાં 55.42 સેકન્ડનો સમય લીધો. જે હાલ પણ ભારતનો રાષ્ટ્રીય રેકોર્ડ છે. ઉષા મેડલથી છેટી રહી ગઈ તે જાણીને રોઈ પડી. 1990માં ઉષાએ બેઈજીન્ગ ખાતે સિલ્વર મેડલ જીત્યા બાદ એથલેટીક જગતને અલવિદા કર્યુ.
 
1991માં ઉષા સીઆઈએસએફમાં સબ ઈન્સ્પેક્ટર એવા વી. શ્રીનીવાસન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ. જો કે ચાર વર્ષ બાદ ઉષાએ ફરીવાર એથલેટીક જગતમાં પાછા ફરવાનું નક્કી કર્યું. ઉષાએ હિરોશીમા એશિયન ગેમ્સમાં સીલ્વર મેડલ (400 મીટર રીલેમાં) સાથે પુનરાગમન કર્યુ. 1998માં જાપાનના ફુકુઓકા ખાતે યોજાયેલી એશિયન મીટમાં ઉષાએ છેલ્લી વાર ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભાગ લીધો. ત્યાં તેણે 400 મીટર રીલેમાં ગોલ્ડની સાથે એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને તેની બે દાયકાની સ્વર્ણિમ કારકિર્દીનો સ્વર્ણિમ અંત કર્યો.
 
1983માં રમતગમત ક્ષેત્રે તેના યોગદાન બદલ પી.ટી. ઉષાને અર્જુન એવોર્ડ અને 1985માં પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો. ઈન્ડિયન ઓલમ્પિક એસોશિએશન દ્વારા તેને સ્પોર્ટ્સ પર્સન ઓફ સેન્ચુરીથી પણ સન્માનિત કરવામાં આવી છે. અત્યાર સુધી ટ્રેક એન્ડ ફિલ્ડમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત તરફથી સૌથી વધુ મેડલ જીતનાર ગોલ્‍ડન ગર્લ, પાયોલી એક્સપ્રેસ, રનીંગ મશીન જેવા ઉપનામ ધરાવતી આ ખેલાડી નવોદિત ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bloating Remedies- ફૂલેલું પેટ ઘટાડવા માટે અજમાવો આ 10 સરળ tips જલ્દી જોવાશે અસર