પીએંમ મોદી દ્વારા રૂ.500 અને 1000ના દરની નોટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવતાની સાથે જ લોકોમાં ગભરાહટનો માહોલ છવાયો હતો. જેથી જે લોકો પાસે રૂ.500 અને 1000ની નોટ લઈને પેટ્રોલ પમ્પ પર પહોંચી રહ્યાં છે. જેથી પેટ્રોલ પમ્પના માલિકોએ બોર્ડ લગાવી દીધા છે કે, જેટલા રૂપિયા આપશો તેટલાનું પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવશે. ગભરાહટ સાથે નીકળેલા લોકોએ પેટ્રોલ પમ્પ પર લાઈનો લગાવી દેતા જે લોકોને પેટ્રોલ ડીઝલની જરૂરીયાત છે. તેવા લોકોને સહન કરવાનો વારો આવી રહ્યો છે.
લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું છે. તો અમુક પેટ્રોલ પમ્પમાં એક જ રાતમાં સાતેક લાખ રૂપિયાની 100 રૂપિયાના દરની નોટો છૂટા આપવામાં જતી રહી હતી. અને સ્ટોક પણ ખૂટી ગયા હતાં. છૂટાની માંગણીના કારણે 500-1000ની નોટના બદલામાં પેટ્રોલ પંપથી પણ છૂટા આપવાનો ઇનકાર કરી દીધો હતો. શહેરના તમામ પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લાગી હતી. ચોક બજાર,અડાજણ, સીટીલાઇટ સમેત શહેરના અન્ય કેટલાંક પેટ્રોલ પંપ પર ‘500 રૂપિયા છે તો 500નું પેટ્રોલ મળશે ખુલ્લા નહી આપીયે’ તેવુ વાહનધારકોને ચોપડાવી આપવામાં આવ્યું હતું. જેના કારણે વાહનધારકો અને પેટ્રોલ ડિલર્સ વચ્ચે ઝઘડા થયા હોવાના બનાવો બન્યા હતાં.
તો બીજી તરફ સોના-ચાંદીના કેટલાક શો-રૂમ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેરાત કરી 500 અને 1000ની નોટ સ્વીકારવામાં આવશે તેવી ઘોષણા કરવામાં આવી હતી. જેને પગલે સોનું ખરીદવા કેટલાક શો-રૂમ પર મોટી સંખ્યામાં લોકો દોડી ગયા હતા. યાજ્ઞિક રોડ પર આવેલા કલ્યાણ જ્વેલર્સ તથા વી. જે. જ્વેલર્સમાં અનેક લોકો ખરીદી માટે દોડી જતાં તે સ્થળો પર ટોળેટોળાં જામ્યા હતા. શો-રૂમની અંદર ધક્કા-મુક્કી થાય હદે ગીરદી થઇ ગઇ હતી. જો કે રાત્રે 12 વાગ્યા પછી 500 અને 1000ની નોટના બદલામાં થનારો કોઇપણ વેપાર વિનિમય ગેરકાયદે હોવાથી પોલીસે ત્વરીત પગલાં લઇ આવા શો-રૂમ બંધ કરાવ્યા હતા અને પરિણામે અનેક લોકોનું રદ થયેલી ચલણી નોટો વટાવી લેવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું.
રૂા.500 અને રૂા.1000 ની નોટ્સ મંગળવારે મધરાતે 12 વાગ્યાથી જ ઉપયોગ નહીં કરી શકાય તેવી જાહેરાતથી ખળભળાટ મચી ગયો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક જાહેર પાનના ગલ્લા પર બે ત્રણ વ્યક્તિઓ આપસમાં ચર્ચા કરી રહ્યાં હતા. જેમાંથી એક વ્યક્તિ પોતાના માથે હાથ મુકી જબરદસ્ત ટેન્શનમાં ફરી રહ્યો હતો. તેની જોડે વાત કરતાં તેણે ધીમેથી કહ્યું સાહેબ મારી પાસે બહુ મોટી અમાઉન્ટ છે. પહેલાં તો ગલ્લા પર ઊભેલા લોકોએ તેને શાંત્વન આપવાનું ચાલું રાખ્યું અને પોતાના ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે સલાહ લેવા માટે કહ્યું. તેણે જણાવ્યું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સલાહથી જ મારી પાસે આટલી રોકડ જમા થઇ ગઇ છે. હવે તેનું શું કરવું તે ખબર નથી પડતી. ત્યારે ત્યાં ઉભેલા લોકોમાંથી જ કોઇએ પુછ્યું પણ કે આખરે તમારી પાસે એવી તો કેટલી મોટી એમાઉન્ટ છે કે આટલી બધી ચિંતા કરી રહ્યાં છો. ત્યાર બાદ તેની વધારે પુછતાછ કરવામાં આવતાં તેણે જણાવ્યું કે સાહેબ 40 લાખ રૂપિયા છે મારી પાસે, પણ તે બેંકમાં ભરી શકાય તેમ નથી. બોલો હવે શું કરું?