દેશમાં ડિમોનિટાઈઝેશન બાદ દેશમાં ભલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે એકાદ બે મહિનામાં પરિસ્થિતિ થાળે પડી જશે એમ સિંધી માર્કેટના વેપારીઓ આશા સેવી બેસી રહ્યાં છે.આજે નોટબંધીના નિર્ણય બાદ મની ક્રાઈસીસને પહોંચી વળવા માટે કેટલાંક નાના વેપારીઓએ પણ તેનો રસ્તો શોધી કાઢ્યો છે. ચોક્કસ આંકડો આપવો મુશ્કેલ છે પણ અમદાવાદમાં આજે કેટલાંય નાના વેપારીઓએ ઈ વોલેટથી પેમેન્ટ સ્વીકારવાનું શરૃ પણ કરી દીધું છે.આજે કાપડ માર્કેટમાં પહેલા જેટલી ઘરાકી નથી પરંતુ ડિમોનિટાઈઝેશનના નિર્ણયને તમામ વેપારીઓ સો ટકા આવકારી રહ્યા છે. આજે પરિસ્થિતિને પહોંચી વળવા લોકો વચ્ચેનો રસ્તો કાઢી રહ્યાં છે. આજે લગ્ન સિઝન ચાલી રહી હોવા છતાં પણ કાપડ માર્કેટમાં મંદી જોવા મળી રહી છે પરંતુ વેપારીઓના મોઢે એક અનોખી ખુશી જોવા મળી રહી છે. હા, વેપારીઓ બીજી તરફ દુઃખી પણ છે. કારણકે આજે કેશનો વ્યવહાર અટકી ગયો છે. બેંકોમાં ફંડ નથી અને વેપારીઓ પાસે પૈસાનો અભાવ છે.વળી તમામ વેપારીઓ મોટાભાગે ચેકથી પેમેન્ટ કરે છે. તો ગ્રાહકો પાસેથી તો તેઓને રોકડા જ મળે છે. ભલે આજે માર્કેટના ટર્ન ઓવરમાં ઘટાડો હોય પણ દેશના વિકાસની વાતને તેઓ સહયોગ આપવા સો ટકા પ્રતિબદ્ધ હોય એવી કડી તેમના ચહેરા પરથી મળી રહી છે. વેપારીઓ પણ સાથ સહકાર આપવા તૈયાર છે અને દેશના વિકાસમાં તેઓ પણ સહયોગી બનવા માટે તૈયાર છે.સિંધી માર્કેટની વાત કરીએ તો અંદાજે ત્રણસોથી પણ વધુ દુકાનો અહીં છે. તમામ વ્યવહાર રોકડ અને ચેકથી થાય છે. ભલે હાલ કેટલાંક વ્યવહાર અટકી પડયા હોય પણ દેશના હિત માટે તેઓ તૈયારી બતાવી રહ્યા છે. ૮૦ ટકાથી વધુ વેપારીઓ કેશલેસ ઇન્ડિયાના સ્વપ્નને સાકર કરવા માટે તૈયાર છે.