પુરાણ પ્રસિદ્ધ સ્થળ ભંડારિયા બહુચરાજી માતાના સ્થાનકે ભવાઇ, ભુંગળ અને ભક્તિ સાથે સંપૂર્ણ શાસ્ત્રોકત પરંપરા મુજબ નવરાત્રિ મહોત્સવ ઉજવાશે. આસો સુદ એકમના દિવસે સવારે 9 કલાકે માણેકચોકમાં માતાજીની આંગી પધરાવી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાશે. અહીંના શક્તિ થિયેટરમાં દરરોજ રાત્રીના ધાર્મિક, સામાજિક અને ઐતિહાસિક નાટક ભવાઇ પાત્રો ભજવાશે. ભંડારિયાના નોરતા ખુબ વખણાય છે એ અત્રે નોંધનીય છે. અહીં નવરાત્રીમાં રજુ થતા નાટક ભવાઇ જોવા આ પંથકમાંથી લોકો ઉમટી પડે છે. આ માટે કલાકારો દ્વારા એક માસ પૂર્વેથી જ તૈયારી રીહર્સલ થતુ હોય છે. નવરાત્રી દરમિયાન રાત્રીના 8 કલાકે શાહી ઠાઠ સાથે માતાજીની ભવ્ય આરતી થશે. આ આરતીનો માહોલ જોવા જેવો હોય છે. નવરાત્રી મહોત્સવ નિમિતે બહુચરાજી મંદિર ઉપરાંત ગામની મુખ્ય બજારો અને માણેકચોકમાં રોશનીનો ઝગમગાટ સાથે શણગાર કરાશે તો પ્રગટનાથ બહુચરાજી મંદિર, સોંડાઇ માતાજી મંદીર, મેલડી માતાજી મંદિર સહિતના ધર્મસ્થાનકોમાં પણ વિશિષ્ટ ધાર્મિક પૂજાવિધિ અને આરાધના સાથે નવરાત્રીની ઉજવણી થશે. તેમજ મંદિરોને રોશનીનો શણગાર કરાશે. ગામમાં ઘરે ઘરે ગરબાનુ સ્થાપન કરી માતાજીની આરાધના થશે.