વિસનગર શહેરના આઇટીઆઇ નજીક આવેલા રેલવે ફાટક પાસે મંગળવારે રાત્રે કાર્યક્રમ પતાવી ઘરે જઇ રહેલા ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ગાડી ઉપર એક ટોળાએ પથ્થરમારો કરી ગાડીના કાચ ફોડી નાંખ્યા હતા.તે ઉપરાંત તેમની ગાડી પર સળગતાં કાકડાં ફેકવામાં આવ્યા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયેલ છે. આ બનાવ અંગે ધારાસભ્યની ફરિયાદને આધારે પોલીસે પાલિકાના બાંધકામ કમિટીના ચેરમેન પટેલ પરેશ સેવંતીલાલ સહિત 25થી 30 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ મંગળવારે રાત્રે દસ વાગ્યાની આસપાસના સમયમાં સાંકળચંદ કેમ્પસમાં ડેન્ટલ વિભાગના દશાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં ભાગ લઇ તેમની ઇનોવા ગાડી (જીજે 2 સીએ 5545) લઇ ઘરે પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન શહેરના આઇટીઆઇ પાસે આવેલા રેલવે ફાટક પાસે ડ્રાઇવરે ગાડી ધીમી કરતાં 25થી 30 શખસોના ટોળાએ ગાડી ઉપર પથ્થરમારો કરી ગાડીના કાચ તોડી નાંખ્યા હતા અને ગાડી ઉપર સળગતા કાકડા ફેંકવાની કોશિશ કરતાં ડ્રાઇવરે સમય સૂચકતા દાખવી ગાડી ભગાવી મુકી હતી. સદનસીબે આ બનાવમાં ધારાસભ્યને કોઇ ઇજા પહોંચી ન હતી. આ બનાવ અંગે પોલીસે ધારાસભ્યની ફરિયાદને આધારે વિસનગર નગરપાલિકાના બાંધકામ કમિટીના ચેરમેન સહિત 25થી 30 માણસોના ટોળા સામે હત્યાની કોશિશ તેમજ કાવતરું રચવા સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ધારાસભ્ય ઋષિકેશ પટેલની ગાડી ઉપર થયેલા પથ્થરમારા બાદ નોંધાયેલી ફરિયાદને પગલે શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો ન પડે તે માટે પોલીસ દ્વારા ધારાસભ્યના ઘર, કાર્યાલય સહિત કાંસા ચોકડી નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.