નવા વર્ષની શરૂઆતની સાથે જાણીતાં મંદિરોમાં દેવ દર્શન માટે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો રહેતો હોય છે. તેમાંયે ડાકોરના રણછોડરાયના મંદિરમાં તો બારે મહિના જાણે ભીડ જ જોવા મળે છે. આ વખતે ડાકોરના રણછોડરાયજીના મંદિર પાસે દર્શનાર્થીઓને સાવધાન કરતું બોર્ડ લગાવાયું છે. આ લખાણથી ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ બોર્ડમાં લખવામાં આવ્યું છે કે આપ દર્શન કરવા આવો ત્યારે સોનાની ચેઈન હાથમાં પકડીને દર્શન કરવા વિનંતી. સામાન્ય રીતે મંદિરોની આસપાસ એવા બોર્ડ લગાવ્યાં હોય છે કે ખિસ્સાકાતરુઓથી સાવધાન. તેમજ તમારી કિંમતી વસ્તુઓ સંભાળીને રાખો. પરંતુ અહીં તો સીધું જ એવું બોર્ડ લગાવાયું કે સોનાની ચેઇન હાથમાં પકડીને દર્શન કરવા વિનંતી. રણછોડજીના મંદિર પાસે લગાવામાં આવેલા બોર્ડ અંગે ડાકોરના સત્તાધીશોએ જણાવ્યું કે દિવાળીના દિવસોમાં વૈષ્ણવોનો ભારે ધસારો રહે છે. આ ભીડમાં ચેઇન સ્નેચર પણ હોઈ શકે છે. તેથી લોકોને એલર્ટ કરવા માટે અમે આ બોર્ડ લગાવ્યું છે.આ ઉપરાંત ત્યાં વારંવાર જાહેરાત પણ કરવામાં અાવે છે. દિવાળીના પર્વ દરમિયાન ડાકોરમાં અંદાજે બે લાખ જેટલા ભાવિક ભક્તો રણછોડજીના મંદિરમાં દર્શન કરી ચૂક્યા છે.