સોશિયલ મીડિયાના સમયમાં આજે પણ પોસ્ટ કે ટપાલનું મહત્ત્વ ઘટ્યું નથી. સાઇકલની ઘંટડી વગાડતો ટપાલી હવે ટપાલની સાથેસાથે ખેડૂતોને હવામાનનો વરતારો પણ ‘વાંચી સંભળાવશે’. દેશનાં ગામડાંમાં ખેડૂતોને પાક માટે આબોહવાની જરૂરી માહિતી પહોંચાડવા ઇન્ડિયન મેટેરોલોજિકલ ડિપાર્ટમેન્ટએ પોસ્ટલ વિભાગનો સંપર્ક સાધ્યો છે. ગુજરાત સહિત દેશનાં અન્ય 4 રાજ્યમાં આ સેવાની પ્રાયોગિક ધોરણે શરૂઆત કરી દેવાઈ છે. હવામાનની આગાહીની સૌથી વધુ જરૂરિયાત ખેડૂતોને પડતી હોય છે. કયા પાક માટે કઈ આબોહવા અને કઈ ઋતુ ઉપયોગી છે, તેની માહિતી ખેડૂતોને અતિ ઉપયોગી સાબિત થાય છે, પરંતુ ગુજરાત સહિતનાં રાજ્યોમાં મોટા ભાગના ગ્રામવિસ્તારોમાં આજે પણ મોબાઇલ કે ટીવીની સુવિધા ઉપયોગી થઈ શકી નથી. હવામાનનો વર્તારો ન જાણી શકવાને કારણે ખેડૂતોને ઋતુ અનુસાર પાક લેવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામવિસ્તારોમાં પોસ્ટલ વિભાગના નેટવર્કને ધ્યાનમાં રાખીને આઇએમડીએ આ નવતર પ્રયોગ અપનાવ્યો છે