લંડન આઇ જેવી અનોખી અને વિશાળ ચકડોળ હવે અમદાવાદમાં રિવરફ્રન્ટના કિનારે આકર્ષણ જન્માવશે. વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૭માં ગુજરાત ટુરિઝમે પ્રવાસીઓને આકર્ષવા પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ગુજરાત ટુરિઝમ ખાનગી કંપની સાથે પીપીપી ધોરણે જાયન્ટ વ્હિલ્સ માટે એમઓયુ કરશે.સૂત્રોના મતે, લંડન,સિંગાપોર,લાગવેગાસ અને હોંગકોંગમાં જાયન્ટ વ્હિલ્સ પ્રવાસીઓનું આકર્ષણ જમાવી રહી છે. દિલ્હીમાં પણ આવી જ વિશાળ ચકડોળ દિલ્હી આઇ આજકાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અમદાવાદમાં પણ એક જાયન્ટ વ્હિલ્સ માટે પ્રોજેક્ટ તૈયાર કરાયો છે.આ જાયન્ટ વ્હિલ્સની વિશષતા એ હશે કે, આ વિશાળ ચકડોળ એક સ્થળેથી બીજા સ્થળે હળવેકથી સરકતી જશે. જે પ્રવાસીઓને નવાઇ પમાડશે. આ વિશાળ ચકડોળને ટ્રાન્સપોટેબલ વ્હિલ્સ પણ કહે છે.જાયન્ટ વ્હિલ્સમાં એકીસાથે ૨૮૮ જણા બેસી શકે તેવી ૩૬ કેબિન હશે. જાયન્ટ વ્હિલ્સની સાથે મુલાકાતીને બાલવાટિકા, ફનપાર્ક,કાંકરિયા સહિત અમદાવાદના જાણીતા સ્થળોએ જઇ શકે તેવી સુવિધા ગોઠવવામાં આવશે. જાયન્ટ વ્હિલ્સમાં આવનારા બાળકોને ચિલ્ડ્રન પાર્કની મુલાકાતે લઇ જવાશે. બાળકોને ખાસ ડિસ્કાઉન્ટ આપવા વિચારણા છે. જાણીતી રેસ્ટોરન્ટ સાથે પણ જોડાણ કરવામાં આવશે. ચાર હજાર સ્કે.ફુટ જમીનમાં આખાય પ્રોજેક્ટને ઓપ આપવા આયોજન કરાયું છે.તાજેતરમાં દિલ્હીમાં ગુજરાત ટુરિઝમે આ પ્રોજેક્ટ વિશે વિવિધ કંપનીઓ સાથે વાતચીત પણ કરી છે. વાયબ્રન્ટ ગુજરાતમાં પણ આ પ્રોજેક્ટ રજૂ કરીને વિવિધ કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રિત કરાઇ છે. ગુજરાત ટુરિઝમે પ્રવાસીઓને આકર્ષવા માટે વાયબ્રન્ટ ગુજરાતમાં કુલ મળીને ૨૭ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે.