બાંગ્લાદેશમાં દુનિયાની સૌથી નાની ગાય મળી છે. લોકડાઉનની વચ્ચે હજારો લોકો રાની નામની આ 20 ઇંચની ગાયને જોવા માટે ઉમટી પડ્યા છે. ગાયના માલિકનો દાવો છે કે તે વિશ્વની સૌથી નાની ગાય છે. પાટનગર ઢાકા પાસેના એક ફાર્મમાં મળેલી 23 મહિનાની ગાય રાતોરાત બાંગ્લાદેશી મીડિયામાં સ્ટાર બની ગઈ છે.
રાની નામની આ ગાયની મોઢાથી પૂંછડી સુધીની ની કુલ લંબાઈ ફક્ત 26 ઇંચ છે. 23 મહિનાની ગાય હોવા છતાં, રાણીનું વજન માત્ર 26 કિલો છે. તેના માલિકે કહ્યું કે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ નાની ગાયથી પણ રાની ચાર ઈંચ નાની છે. જો કે હજુ સુધી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સની તરફથી રાનીને સૌથી નાની ગાય માનવામાં આવી નથી.
બાંગ્લાદેશમાં કોરોનાના વધતા જતા સંકટ અને મૃતકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન લાગુ કર્યું છે. પરંતુ આમ છતા પણ લોકો ઢાકાથી 30 કિમી દૂર ચારીગ્રામમા આવેલ આ ફાર્મમાં રાનીને જોવા માટે પહોંચી રહ્યા છે. રાનીને જોનારી એક મહિલાએ કહ્યુ કે મે મારા જીવનમાં આવુ કંઈક પહેલીવાર જોયુ છે.
અત્યાર સુધીની વિશ્વની સૌથી નાની ગાયનો રેકોર્ડ ભારતના કેરલ રાજ્યના માણિક્યમ નામની ગાયના નામે છે. 2014 માં વેચુર જાતિની માણિક્યમ ગાયની લંબાઈ 24 ઇંચ માપવામાં આવી હતી. જો કે, જો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ રાણીની લંબાઈને માન્યતા આપે છે, તો તે દુનિયાની સૌથી નાની ગાય બની જશે.