Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભારતના ખેડૂતોના સમર્થનમાં લંડનમાં પ્રદર્શન, સેંકડો લોકો ભેગા થયા

ભારતના ખેડૂતોના સમર્થનમાં લંડનમાં પ્રદર્શન, સેંકડો લોકો ભેગા થયા
, સોમવાર, 7 ડિસેમ્બર 2020 (12:08 IST)
ભારતના ખેડૂતોના સમર્થનમાં સેન્ટ્રલ લંડનમાં સેંકડો લોકોએ રવિવારે (સ્થાનિક સમયાનુસાર) પ્રદર્શન કર્યું હતું. આ લોકો સેન્ટ્રલ લંડનમાં આવેલા ભારતીય દૂતાવાસની બહાર એકઠા થયા હતા. જ્યાંથી તેમણે લંડનના ટ્રેફેલગર સ્ક્વેયર સુધી રેલી કાઢી હતી. માર્ચમાં સામેલ લોકોનું કહેવું હતું કે મોદી સરકાર દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની મુશ્કેલીઓ સાંભળે અને તેમની માગો પર ગંભીરતાથી વિચાર કરે. 
 
પ્રદર્શનમાં સામેલ 13 લોકોની લંડન પોલીસે ધરપકડ પણ કરી હતી. એવા અહેવાલો છે કે રેલી દરમિયાન આ લોકો કોરોના વાઇરસની ગાઇડલાઇનનું પાલન નહોતા કરી રહ્યાં. લંડન પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે 13માંથી 4 લોકો પાસેથી દંડ લઈ તેમને છોડી દેવામાં આવ્યા છે. ભારતીય મૂળના ઘણા લોકો બ્રિટનમાં રહે છે અને ખેડૂતોના આંદોલન પ્રત્યે તેમની સહાનુભૂતિ છે.
 
દેશની રાજધાની દિલ્હીની સીમાઓ પર છેલ્લા બાર દિવસથી ખેડૂતો મક્કતાથી વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે પાંચમા તબક્કાની વાતચીતમાં પણ ખેડૂતનેતાઓએ કડક વલણ અપનાવ્યું હતું અને પોતાની માગ પર અડગ રહ્યા હતા. એક તબક્કે ખેડૂતનેતાઓએ મિટિંગમાં જ મૌનવિરોધ પણ કર્યો. ખેડૂતોએ એમ પણ કહ્યું કે સરકારને જો એકની એક વાતો કર્યા કરવી હોય તો અમે કોઈ વાત નહીં કરીએ.  શનિવારની વાતચીત કોઈ નીવેડો આવ્યા વિના પૂરી થઈ છે. દરમિયાન ખેડૂતનેતાઓએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન યથાવત્ રહેશે એમ પણ કહ્યું છે.  હાલ તો સરકાર એની વાત પર અને ખેડૂતનેતાઓ સરકાર ત્રણ કૃષિકાયદા રદ કરે એ માગ પર અડગ દેખાઈ રહ્યા છે.
 
પહેલાં જે ખેડૂતો MSPનો કાયદાકીય અધિકાર મળી જવા પર માનવા તૈયાર હતા, તેઓ હવે ત્રણેય કાયદાઓને રદ કરવા સિવાય અન્ય કોઈ વાતે માનવા તૈયાર નથી.
 
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ડીએમકે ચીફ એમ. કે. સ્ટાલીન, એનસીપી પ્રમુખ શરદ પવાર, સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ, લેફ્ટ ફ્રન્ટના સીતારામ યેચુરી અને ડી રાજા સમેત ભારતના 11 મોટા નેતાઓએ ખેડૂતોના બંધનું સમર્થન કર્યું છે.
 
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભારત બંધને સમર્થન કરવાની અપીલ કરી છે. ખેડૂતોના આ પ્રદર્શનને પંજાબના કેટલાક સિંગરોએ પણ સમર્થન આપ્યું છે. તો ટ્રાન્સપૉર્ટ્સ યુનિયનોએ ભારત બંધનું સમર્થન કરીને કહ્યું કે તેઓ ખેડૂતોની સાથે છે. ખેડૂતોએ કહ્યું કે ભારત બંધ દરમિયાન તેઓ દિલ્હી જનારા બધા રસ્તાઓ બંધ કરશે.
 
તો પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાતમાં ભારત બંધના દિવસે પ્રદર્શન થવાની શક્યતા છે. દિલ્હી સીમા (સિંધુ બૉર્ડર અને ગાઝીપુર) પર રહેલા ખેડૂતોએ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ખેડૂતોને તેમના સમર્થનમાં આવવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે બધા મળીને દિલ્હીને ઘેરીએ અને દિલ્હીની સીમાઓને સીલ કરવામાં મદદ કરો.
 
ખેડૂત આંદોલનમાં રોજેરોજ બદલાઈ રહેલી રણનીતિ ‘મોદી મૅજિક’ ખતમ કરી દેશે? 
 
કેન્દ્ર સરકારનું કહેવું છે કે વાતચીતથી ઉકેલ લાવવામાં આવશે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે "ખેડૂતવિરોધી કાળા કાયદાઓને"ખતમ કર્યા સિવાય વિરોધપ્રદર્શનનો અંત નહીં આવે.
 
અગાઉની બેઠકમાં સરકારે ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે કૃષિકાયદાથી એમએસપી પર કોઈ અસર નહીં થાય, આ રાજ્યનો વિષય છે અને કેન્દ્ર સરકાર રાજ્યોની મંડીઓને કોઈ પ્રકારે પ્રભાવિત નહીં કરે.
 
તેઓએ ખેડૂતોને કહ્યું હતું કે ઠંડી અને કોવિડ-19ને કારણે આંદોલન ખતમ કરે અને વૃદ્ધો-બાળકોને ઘરે મોકલી દે.
 
આ દરમિયાન દિલ્હીની સરહદે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને તાત્કાલિક હઠાવવાનો આદેશ કરવા માગ કરતી એક પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
 
અરજી કરનાર વ્યક્તિ તરફથી નિયુક્ત વકીલ ઓમ પ્રકાશ પરિહારે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂતોને કારણે કોરોના વાઇરસ ફેલાવાનો ખતરો ઊભો થઈ શકે છે એ હેતુથી આ અરજી કરવામાં આવી છે.
 
ખેડૂતો સંગઠનોની સરકાર સાથે પાંચ તબક્કામાં વાતચીત થઈ છે, જોકે હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.
 
અને હવે છઠા તબક્કાની વાતચીત 9 ડિસેમ્બરે થવાની છે, જોકે 8 ડિસેમ્બરે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.
 
દિલ્હીની સિંધુ બૉર્ડર પર પ્રદર્શન કરી રહેલા નેતા બલદેવ સિંહે કહ્યું કે આ આંદોલનને વધુ મજબૂત કરવાની જરૂર છે.
 
તેઓએ કહ્યું, "હું બધાને 8 ડિસેમ્બરે ભારત બંધમાં સામેલ થવાની અપીલ કરી છું. ગુજરાતથી 250 ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે.
 
નરેન્દ્ર મોદી ખેડૂતો સુધી વાત પહોંચાડવામાં નિષ્ફળ ગયા છે? 
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આને "આઝાદી બાદ ખેડૂતોને ખેતીમાં એક નવી આઝાદી આપનારો" કાયદો ગણાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વાર આ મામલે સરકારની સ્થિતિ સ્પષ્ટ કરી છે અને કહ્યું કે રાજકીય પાર્ટીઓ આ કાયદાને લઈને દુષ્પ્રચાર કરી રહી છે.
 
તેઓ કહે છે કે ખેડૂતોને એમએસપીનો ફાયદો ન મળવાની વાત ખોટી છે. બિહાર ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું, "જે લોકો દશકોથી દેશમાં શાસન કરતા હતા, સત્તામાં હતા, જેણે દેશમાં રાજ કર્યું છે એ લોકો ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે. ખેડૂતોને ખોટું બોલી રહ્યા છે."
 
તેઓએ કહ્યું હતું કે વચેટિયાઓ ખેડૂતોની કમાણીનો મોટો ભાગ ખાઈ જતા હતા, તેમનાથી બચાવવા માટે આ કાયદો જરૂરી હતો. ખેડૂત આંદોલનને કારણે દિલ્હી આવવાના ઘણા રસ્તાઓ બંધ છે.
 
દિલ્હી-હરિયાણ બૉર્ડર પર આવતી સિંધુ, ટિકરી, ઝરૌદા, ઔચંદી, લામપુર, માનીયારી અને મંગેશ બૉર્ડર સીલ છે.
 
આ સિવાય ઉત્તર પ્રદેશથી દિલ્હીમાં પ્રવેશતા કેટલાક રસ્તાઓ પણ બંધ છે.
 
સિંધુ બૉર્ડર પર હરિયાણા અને પંજાબથી આવેલાં હજારો ટ્રેક્ટર અને ટ્રૉલીઓ છે અને દિવસેદિવસે આ સંખ્યા વધી રહી છે.
 
ટ્રૉલીઓમાં ખાવા-પીવાનો સામાન ભરેલો છે અને ખેડૂતોને રહેવા અને સૂવાની વ્યવસ્થા છે.
 
ખેડૂતો સાથે મહિલાઓ અને બાળકો પણ વિરોધપ્રદર્શનમાં સામેલ થયાં છે.
 
દિલ્હીનાં ઘણાં ગુરુદ્વારાઓએ પણ અહીં લંગર લગાવ્યાં છે, આ સાથે દિલ્હીના શીખ પરિવારો પણ અહીં આવીને લોકોને ખવડાવી રહ્યા છે.
 
પંજાબનાં ત્રીસથી વધુ ખેડૂત સંગઠનોએ આ આંદોલન ઊભું કર્યું છે. સંગઠન સાથે જોડાયેલા નેતા કહે છે કે તેઓ છેલ્લા ચાર મહિનાથી આના માટે સ્થાનિકસ્તરે કામ કરતા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓસ્ટ્રેલિયામાં યુદ્ધ વિમાન ઉડાવી ગુજરાતનું નામ રોશન કરશે વ્રજ પટેલ, જાણો શું છે ગુજરાત કનેક્શન