અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ(Taylor Swift) આ વર્ષે ટ્વિટર પર 50 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં નંબર 1 પર છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બીજા નંબરે છે. કન્ઝ્યુમર ઇન્ટેલિજન્સ કંપની બ્રાન્ડવોચ દ્વારા કરવામાં આવેલા વાર્ષિક સંશોધન અનુસાર, ટેલર સ્વિફ્ટ ટ્વિટર પર સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઉભરી આવી છે.
આ યાદીમાં ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) નુ નામ પણ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે આ લિસ્ટમાં સચિને અમેરિકન એક્ટર ડ્વેન જોન્સન, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા સહિત ઘણી પ્રખ્યાત હસ્તીઓને પાછળ છોડી દીધા છે.
સચિન તેંડુલકરનું નામ સામેલ કરવા માટે કંપનીએ આપ્યું આ કારણ
કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે સચિન સતત નબળા વર્ગ માટે પોતાનો અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત તેઓ અનેક મહત્વના મુદ્દાઓ પર પણ પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. આ ઉપરાંત, તેની સહયોગી બ્રાન્ડના સંબંધિત પ્રભાવશાળી ઝુંબેશને કારણે તેની ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો છે. જેના કારણે તે આ લિસ્ટમાં 35માં નંબર પર આવી ગયો છે.
આ યાદીમાં નિક જોનાસ, નિકી મિનાજ, બેયોન્સ, લુઈસ ટોમલિન્સન, બ્રુનો માર્સ, લિયામ પેઈન અને તાકાફુમી હોરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, આ યાદીમાં 61 ટકા પુરુષો છે જ્યારે 39 ટકા મહિલાઓ છે. તે જ સમયે, આ સૂચિમાં 67 ટકા લોકો અમેરિકાના છે, જ્યારે 13 ટકા લોકો બ્રાઝિલના છે.