અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે કહ્યું કે તેમના દેશે ઔપચારિક રીતે નક્કી કરી લીધું છે કે રશિયાએ યુક્રેનમાં માનવતા વિરુદ્ધ ગંભીર અપરાધો આચર્યા છે.
મ્યૂનિક સિક્યોરિટી કૉન્ફરન્સમાં કમલા હૅરિસે રશિયા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે જ્યારે યુક્રેન પર હુમલા થયા છે, ત્યારથી રશિયાએ 'હત્યા, અત્યાચાર, બળાત્કાર જેવા જઘન્ય'કાર્યો કર્યા છે.
આ સંમેલન દરમિયાન દુનિયાના તમામ નેતાઓએ યુક્રેનનું લાંબા સમય સુધી સમર્થન કરવાની અપીલ કરી છે.
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે યુક્રેનને સૈન્ય સહકાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે યુક્રેનના પશ્ચિમી સહયોગીઓને તેના ભવિષ્યની સુરક્ષા માટે યોજના બનાવવા અને યુક્રેનને હથિયાર મોકલવાની જરૂરિયાત છે.
કમલા હૅરિસના આરોપ
આ કૉન્ફરન્સમાં કમલા હૅરિસે કહ્યું હતું કે યુક્રેનમાં થયેલા કથિત અપરાધો માટે જવાબદાર લોકો પાસેથી તેમના કૃત્યો વિશેનો ખુલાસો માગવો જોઇએ.
હૅરિસે ક્હ્યું, "તેમના કૃત્યો આપણા સહિયારા મૂલ્યો અને આપણી માનવતા પર હુમલો છે."
તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, એક ખાસ નાગરિક સમાજ પર 'વ્યાપક અથવા સુનિયોજિત હુમલો' માનવતા વિરુદ્ધનો અપરાધ છે.
અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, "યુક્રેનમાં રશિયાની કાર્યવાહી સંદર્ભે અમે પુરાવા તપાસ્યા છે. અમે કાનૂની માપદંડોને જાણીએ છીએ અને તેમાં કોઈ શંકા નથી કે એ માનવતા વિરુદ્ધના અપરાધ છે."
તેમણે યુક્રેનમાં યુદ્ધ દરમિયાન બૂચા અને મારિયોપોલમાં થયેલાં 'બર્બર અને અમાનવીય' અમાનવીય અપરાધોનો હવાલો આપ્યો છે.
કમલા હૅરિસે કહ્યું, "અમે સહમત છીએ કે જાણીતા અને અજાણ્યા તમામ પીડિતો (યુદ્ધ પીડિતો) માટે ન્યાય થવો જોઈએ."
જોકે, રશિયાએ પોતાના હુમલાઓમાં નાગરિકોને નિશાન બનાવવાના આરોપને વારંવાર નકાર્યા છે.
જર્મનીના મ્યૂનિકમાં આ કૉન્ફરન્સનું આયોજન ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર થયેલા રશિયાના હુમલાને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે કરવામાં આવ્યું છે.