Israeli soldiers killed in drone attack- લેબનોન સ્થિત ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં ઇઝરાયલની સેનાના ચાર સૈનિક મૃત્યુ પામ્યા છે, જ્યારે 60 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે.
હિઝબુલ્લાહે હાઇફા અને તેલ અવીવની વચ્ચે આવેલા બિનિયામિના સૈન્ય તાલીમમથકને નિશાન બનાવીને આ ડ્રોન હુમલો કર્યો હતો.
આઈડીએફના જણાવ્યા પ્રમાણે, આ હુમલામાં સાત સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા છે. જોકે, ઇઝરાયલની ઍમ્બુલન્સ સેવા એમડીએના જણાવ્યા પ્રમાણે, ત્રણ સૈનિકો જ ગંભીર રીતે ઘાયલ થયા છે.
આઈડીએફ અને એમડીએફના આંકડામાં વિસંગતતા શા માટે છે, તે સ્પષ્ટ નહોતું થયું.
ઈજાગ્રસ્તોને આ વિસ્તારની આઠ અલગ-અલગ હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આ માટે ઍમ્બુલન્સ ઉપરાંત હૅલિકૉપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હિઝબુલ્લાહની મીડિયા ઓફિસના રિપોર્ટ પ્રમાણે, ઇઝરાયલ દ્વારા ગુરૂવારે બૈરુત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
હિઝબુલ્લાહે 'ડ્રોનોના બહુ મોટા સમૂહ'નો (સ્વાર્મ ડ્રોન) ઉપયોગ કરીને આ હુમલાને અંજામ આપ્યો હતો.