નોકરીમાંથી કાઢી મૂકવાના અનેક કારણો હોઈ શકે છે. પરંતુ શું ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈ મહિલા બ્રા પહેર્યા વગર ગઈ હોય અને તેને નોકરીમાંથી કાઢી મૂકી? આવું જ કઈંક વિચિત્ર કિસ્સો બ્રિટનમાં જોવા મળ્યો છે. એક બારમાં કામ કરતી 22 વર્ષની યુવતી કેટ હનાનો દાવો છે કે તે બ્રા પહેર્યા વગર ગઈ અને તેને કાઢી મૂકવામાં આવી.
ફેસબુક પર કેટે એક પોસ્ટમાં આ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું. કેટે જે પોસ્ટ કરી હતી તેમાં ગ્રે કલરની ક્રૂ નેક સાથેની ટીશર્ટનો ફોટો પણ અપલોડ કર્યો હતો. આ ટીશર્ટ સામે તેના બોસે વાંધો હોવાનું કેટે જણાવ્યું હતું. કેટે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, યોર્કશાયરના એક પબ 'બર્ડ એન્ડ બીયર'માં તે એક ટીશર્ટ પહેરીને નોકરી કરવા ગઈ હતી જેની સામે તેના બોસે વાંધો દર્શાવ્યો હતો અને અયોગ્ય ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયામાં સાચી વાત રજૂ કરવા બદલ કેટને કાયદાકીય કાર્યવાહીની ધમકીઓ પણ મળી રહી હોવાનું તેણે જણાવ્યું હતું.
ફેસબુક પોસ્ટમાં કેટે લખ્યું હતું કે, ' મે બ્રા પહેરવાનો ઈનકાર કર્યો હોવાથી મને નોકરીમાંથી પાણીચુ આપી દેવાયું છે. ગઈકાલે મારા મેનેજરના ભાઈએ મારા વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, મને અસહજ અનુભૂતિ થઈ હતી, મારી સાથે જે કંઈ પણ બની બન્યું હતું તેથી હું શોક થઈ ગઈ હતી. આ બધુ બની રહ્યું હતું ત્યારે મારી બોસ ત્યાં હાજર હતી, જો કે તેમણે તેના ભાઈનો પક્ષ લીધો હતો. મારી બોસે મને કહ્યું હતું કે હું બ્રા પહેર્યા વગર નોકરી પર નહીં આવી શકું. આ તમામ વાત મને ત્રણ સ્ટાફ સભ્યો સામે કરવામાં આવી હતી.'
કેટે વધુમાં લખ્યું કે, 'હું મારા શરીરથી શરમ અનુભવી રહી છું, મારી સાથે છેડછાડ થઈ તેના માટે મારા ટોપને જવાબદાર ગણાવવામાં આવે છે. બ્રા પહેર્યા વગર નોકરી પર આવવા બદલ મને મૂરખ કહીને મારી મજાક ઉડાડવામાં આવી હતી.' પબના અન્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, યુનિફોર્મનું પાલન કરવામાં કોઈ ખોટું નથી, આ અમારી પ્રક્રિયાનો હિસ્સો છે. બીજીતરફ કેટલાક કર્મચારીઓ આ ઘટનાના વિરોધમાં 'બ્રા-લેસ પ્રોટેસ્ટ'કરવાની તૈયારીમાં છે