પૂર્વ સીરિયામાં બસ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 28 લોકોનાં મૃત્યુ થયાં છે, અહેવાલો પ્રમાણે મૃતકોમાં મોટાભાગના સૈનિક છે. સીરિયાના સ્ટેટ મીડિયાનું કહેવું છે કે બસને બુધવારે દેર અલ-ઝૂર પ્રાંતમાં નિશાન બનાવવામાં આવી હતી, જેમાં 'નાગરિકો' માર્યા ગયા હતા.
જોકે બીજા સ્રોતો અને મૉનિટરિંગ ગ્રૂપ પ્રમાણે આ બસમાં સૈનિકો સવાર હતા.
ઘટના બાદ તાત્કાલિક કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી.
યુકેમાં સ્થિત સીરિયન ઑબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ (SOHR) આ હુમલા માટે ઇસ્લામિક સ્ટેટ (IS)ને જવાબદાર ગણાવે છે અને કહે છે કે 37 લોકોનાં મૃત્યુ થયાં છે.
સૂત્રોને ટાંકતાં SOHR કહ્યું, "આ હુમલો પૂર્વાયોજિત હતો, જેમાં સરકારતરફી લશ્કરો અને સૈનિકોની ત્રણ બસ આઈએસના નિશાન પર હતી."
અન્ય સૂત્રોને ટાંકતાં સમાચાર સંસ્થા રૉયટર્સે પણ કહ્યું છે કે બસમાં સીરિયન સૈન્ય હતું.
આઈએસ અને સીરિયન રાષ્ટ્રપતિ બશલ અલ-અસદની સરકારની સેના વચ્ચે પલમીરામાં અથડામણો અવારનવાર થતી રહે છે.
2014માં આઈએસે લાખો લોકોપર નિર્દયી શાસન લાદ્યું હતું, એક તબક્કે પશ્ચિમ સીરિયાથી પૂર્વ ઇરાક સુધીના 88 હજાર ચોરસ કિલોમિટર વિસ્તારને નિયંત્રિત કર્યો હતો.