અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સૈન્ય હવાઈ મથકની બહાર રવિવારે સવારે આત્મઘાતી વિસ્ફોટ થયો હતો.
આત્મઘાતી હુમલાની પુષ્ટિ કરતા તાલિબાનનાં ગૃહ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું છે કે આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે.
સમાચાર એજન્સી એએફપીએ તાલિબાન અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આ હુમલો હવાઈ મથકના દરવાજા પાસે થયો હતો અને તેમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તકોરે જણાવ્યું હતું કે “અમારા ઘણા સહયોગીઓ માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.”
ઑગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળનાર તાલિબાને સુરક્ષાની સ્થિતિમાં સુધારનો દાવો કર્યો હતો. પરંતુ તાજેતરના મહિનાઓમાં અફઘાનિસ્તાનમાં અનેક મોટા હુમલા થયા છે.
સ્વ-ઘોષિત ઉગ્રવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન શાખાએ આવા ઘણા હુમલાઓની જવાબદારી સ્વીકારી છે.
ગયા મહિને, બંદૂકધારીઓએ એક હોટલ પર હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા પાંચ ચીની નાગરિકો ઘાયલ થયા હતા. એ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.