યુક્રેનને લઈને રશિયા અને નાટો દળો વચ્ચેના તણાવની અસર હવે વિશ્વના અન્ય દેશો પર પણ થઈ રહી છે. પૂર્વ યુરોપમાં યુદ્ધના ભય વચ્ચે યુક્રેનમાં એન્જિનિયરિંગ અને મેડિકલનો અભ્યાસ કરતા 20 હજાર ભારતીય વિદ્યાર્થી પણ મુશ્કેલીમાં મુકાયા છે. આમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, પંજાબ અને રાજસ્થાનના છે. આ વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા દિલ્હીમાં રાષ્ટ્રપતિ સચિવાલયમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે.
મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ પશ્ચિમ યુક્રેનમાં રહે છે, જ્યારે પૂર્વ સરહદ પર તણાવની સ્થિતિ છે. યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, ભારતની મેડિકલ કોલેજોમાં લગભગ 88 હજાર બેઠકો છે, જ્યારે 8 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. તેની સરખામણીમાં યુક્રેનમાં એડમિશન આસાનીથી મળી રહે છે, જેને કારણે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા જાય છે.