કેન્દ્રીય લંડનના લંડન બ્રિજ પર ઘટેલી છૂરેબાજીની ઘટનામાં બે લોકોનાં મૃત્યુ થયાં છે. સાથે પોલીસની ગોળીથી સંદિગ્ધ હુમલાખોર પણ માર્યો ગયો છે. આ ઘટના ઘટી એના થોડા કલાકો બાદ હૉલૅન્ડના ધ હેગ શહેરમાં એક ડિપાર્ટમેંટલ સ્ટોરમાં પણ એક વ્યક્તિએ ચાકૂથી હુમલો કર્યાનું સ્થાનિક પોલીસ જણાવે છે. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજા થઈ હતી.
જ્યારે બીજી તરફ લંડન બ્રિજ પર ઘટેલી ઘટનાને લંડનની મેટ્રોપોલિટન પોલીસે 'આતંકી ઘટના' ગણાવી છે.
પોલીસના કહેવા પ્રમાણે હુમલાખોરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું અને હુમલાખોરે નકલી વિસ્ફોટક જૅકેટ પહેર્યું હતું.
પોલીસનું કહેવું છે કે સ્થાનિક સમયાનુસાર બપોરે બે વાગ્યા આસપાસ બ્રિજ પાસે ચાકુ વડે હુમલો થયો હતો.
બીબીસીના જૉન મૅકમનસ ઘટનાસ્થળે હાજર હતા. તેમણે જણાવ્યું કે બ્રિજ પર પુરુષોનું એક ટોળું લડતું હતું. તેમનું કહેવું છે કે જ્યારે પોલીસ આવી ત્યારે તેમણે ગોળી ચલાવીને ટોળાને વીખેરી નાખ્યું.
સ્ટેશન બંધ કરાયાં
બ્રિટિશ ટ્રાન્સપૉર્ટ પોલીસનું કહેવું છે કે લંડન-બ્રિજ સ્ટેશનને બંધ કરી દેવાયું છે અને કોઈ ટ્રેન ત્યાં રોકાશે નહીં.
પોલીસે લોકોને સલાહ આપી છે કે તેઓ ઘટનાસ્થળ પર હાજર ઑફિસરોની સલાહ માને.
મૅકમનસે બીબીસી ન્યૂઝચેનલને જણાવ્યું કે તેઓ થોડા સમય પહેલાં જ લંડન-બ્રિજ પર સાઉથ બૅન્કથી નૉર્થ બૅન્ક તરફ જઈ રહ્યા હતા.
"એવું લાગતું હતું કે બ્રિજના છેડે લડાઈ થતી હતી, જેમાં ઘણા લોકો એક વ્યક્તિ પર હુમલો કરી રહ્યા હતા."
"સશસ્ત્ર પોલીસ સાથે પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા અને એ વ્યક્તિ પર ગોળીઓ વરસાવી."
લંડન-બ્રિજના એક રેસ્ટોરાંમાં ફસાયેલાં નૉઆ બૉડનરે બીબીસી ન્યૂઝ ચેનલને કહ્યું, "લોકોનું ટોળું અંદર આવી રહ્યું હતું અને બધા ટેબલ નીચે ઘૂસી રહ્યા હતા."
"અમને કહેવાયું કે અમે બારીઓથી દૂર રહીએ. જે લોકો બહારથી આવ્યા હતા એમણે કહ્યું કે ગોળીઓ ચલાવાઈ છે."
"મૅનેજર ભાગતાં-ભાગતાં દરવાજો બંધ કરવા આવ્યા અને તેમણે સ્ટાફને કહ્યું કે તેઓ રેસ્ટોરાં સામેથી ખસી જાય."