કિશોરાવસ્થામાં પ્રવેશતાની સાથે જ છોકરીઓને 'માસિક ધર્મ'(પીરિયડ્સ) શરૂ થઇ જાય છે. પણ જ્યારે પહેલી-પહેલીવાર કિશોરીઓએ માસિક ધર્મનો સામનો કરવો પડે છે ત્યારે તેમની શારીરિક સ્થિતિની સાથેસાથે માનસિક સ્થિતિ પણ વણસી જાય છે. આવું થવું બહુ સ્વાભાવિક છે. એક તરફ શરીરમાં અચાનક થઇ ગયેલા ફેરફારને લઇને તે ચિંતા અનુભવવા લાગે છે અને બીજી તરફ તેને શરમ પણ આવે છે.
દરેક છોકરીના જીવનમાં આ દિવસ આવે જ છે અને શરૂ-શરૂમાં તે સંકોચ, ચિંતા, શરમની લાગણીથી ઘેરાયેલી રહે છે. આમ થવું બહુ સ્વાભાવિક છે. મોટાભાગની છોકરીઓને 10થી 13 વર્ષની ઉંમરની અંદર માસિક ધર્મ શરૂ થઇ જાય છે. તેનો કોઇ સાચો કે ખોટો સમય નથી હોતો, જ્યારે તેમનું શરીર તૈયાર થઇ જાય ત્યારે પીરિયડ્સ શરૂ થઇ જાય છે.
મોટાભાગની છોકરીઓને મહિનામાં એકવાર માસિક ધર્મ આવે છે. બે માસિક ધર્મની વચ્ચેનો સમય સરેરાશ 25થી 32 દિવસનો હોય છે. પણ કેટલીક છોકરીઓમાં આ સમયગાળો વધુ તો કેટલીકમાં ઓછો હોઇ શકે છે. માસિક ધર્મ સામાન્ય રીતે ત્રણથી પાંચ દિવસના હોય છે. જો તમે ગર્ભ ધારણ નથી કરતા તો આ ચક્ર તમારા મેનોપોઝ(રજોનિવૃત્તિ) સુધી દર મહિને ચાલતું રહેશે પણ જો અચાનક તેના ચક્રમાં અનિયમિતતા આવે તો તપાસ કરાવવી જરૂરી છે.
માનસિકરૂપે તૈયાર રહો - માસિક ધર્મ દરમિયાન દરેક સ્ત્રીના મૂડમાં ફેરફાર થતા રહે છે. ક્યારેક મૂડ સારો તો ક્યારેક ખરાબ રહે છે. આ દરમિયાન બેચેની, આળસ, ભૂખ ઓછી લાગવી, ચીડિયા બની જવું વગેરે સ્વાભાવિક છે. ખાસ કરીને શાળાએ જતી છોકરીઓમાં આવું થાય છે. આવામાં માતાએ તેને માનસિકરૂપે તૈયાર કરવી જરૂરી છે. તેણે પોતાની કિશોરી પુત્રીને સમજાવવી જોઇએ કે સ્ત્રીના શરીરની આ પ્રક્રિયા બહુ સામાન્ય છે.
માસિક ધર્મ પહેલાના લક્ષણો - પ્રી મેસ્ટ્રુઅલ કે પીએમએસ એવા લક્ષણ છે જેને પીરિયડ્સ શરૂ થયાના એકથી દસ દિવસ પહેલા તમે અનુભવવા લાગો છે. આ લક્ષણ શારીરિક કે મનોવૈજ્ઞાનિક હોઇ શકે છે. આ દરમિયાન પેટમાં મરોડ, પીડા, તાણ, સ્તનોમાં ભાર, સ્તનોમાં સોય વાગે તેવી પીડા, માથાનો દુખાવો વગેર સામાન્ય લક્ષણ છે. આ તમામ લક્ષણો દરેકના શરીરના હિસાબે અલગ-અલગ હોય છે.
કેટલાંક ભ્રમો - માસિક ધર્મને લઇને હજુપણ કેટલાક ભ્રમો પ્રવર્તી રહ્યાછે. કેટલીક સ્ત્રીઓ માને છે કે આ દરમિયાન કોઇ કામ કરવું જોઇએ નહી. આરામ કરવાથી કોઇપણ પ્રકારનો માથાનો દુખાવો ઓછો નથી થતો, એ ભ્રમ માત્ર છે. આ દિવસોમાં વધારે સક્રિય રહીને તમે ફ્રેશ રહી શકો છો. તમને ભલે વિશ્વાસ ન થતો હોય પણ આ સમયે વ્યાયામ બહુ જરૂરી હોય છે. વ્યાયામ લોહી અને ઓક્સીજનના પ્રવાહને સારી રીતે કાર્ય કરાવી પેટમાં પીડા અને તાણ દૂર કરવામાં મદદરૂપ બને છે. એ દિવસોમાં તમે કસરત કરી શકો છો, ટેનિસ કે ફૂટબોલ રમી શકો છો. છોકરીઓ માસિક ધર્મની પીડાને કારણે શાળા-કોલેજે જવાનું ટાળતી હોય છે પણ આમ ન કરવું જોઇએ. જો દર્દ અસહ્ય હોય તો સ્ત્રીરોગ નિષ્ણાતની સલાહ લઇ દવા લો અને સામાન્ય દિવસોની જેમ જ તમારી દિનચર્યા યથાવત રાખો.
ડૉક્ટરની સલાહ જરૂરી છે - દરેક છોકરીને આ દિવસોમાં પેટના નીચેના ભાગમાં દર્દ અને તાણ નથી થતો. પણ મોટાભાગની છોકરીઓને કેટલીક અસુવિધા ચોક્કસ થાય છે. ઘણી કિશોરીએ-યુવતીઓ અસહ્ય પીડાની ફરિયાદ કરતી હોય છે. આ સમસ્યા મોટાભાગે પહેલી ગર્ભાવસ્થા બાદ ખતમ થઇ જાય છે. જો તમારી આ સમસ્યા યથાવત રહે તો તેના માટે કેટલીક દવાઓ છે પણ કોઇપણ દવા લેતા પહેલા સ્ત્રીરોગ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. આ વિષયની કોઇપણ મોટી સમસ્યાને નજરઅંદાજ ન કરીને જરૂરી તપાસ કરાવો.
સફાઇનું પણ ધ્યાન રાખો - આ દરમિયાન સફાઇ બહુ જરૂરી છે નહીં તો ત્વચા પર રેશિશ કે ઇન્ફેક્શન થવાની સંભાવના રહે છે. જો તમે રોજ ન નાહતા હોવ તો આ દિવસોમાં તો રોજ નહાવું જ જોઇએ. જો તમને સેનેટરી નેપકિનથી કોઇ પ્રકારની સમસ્યા થાય તો તેની કંપની બદલીને ટ્રાય કરી જુઓ. તમારા અંડરગાર્મેન્ટ્સ સારી રીતે ધુઓ. જરૂરિયાત અનુસાર નેપકિન બદલતા રહો અને તેનો યોગ્ય નિકાલ કરો.
કેટલીક તપાસ પણ કરાવો - જો રૂટિન સાયકલ બદલાતી રહે તો બે મહિના સુધી નિરીક્ષણ કરી તપાસ અચૂક કરાવો. જેમ કે માસિક ધર્મની વચ્ચેનું અંતર 28-35 દિવસનું થઇ જાય કે તેની પેટર્નમાં કોઈ ફેરફાર થાય તો ડિટેલ ચેકઅપ કરાવો. આ તપાસ છે - પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ, થાયરોયડ ટેસ્ટ(ટી3, ટી4, ટીએસએચ ટેસ્ટ).