કેરીના રસનો કટોરો ભરેલો હોય તો કોઇ પણનું મન લલચાઇ જાય છે. હાલ કેરીની સીઝન ચાલી રહી છે. શ્રી ખંડ સામે કેરીનો રસ બરાબરની ફાઇટ આપે છે. પણ એક વાત યાદ રાખજો- માત્ર કેરીનો રસ જ નહિ, આંબાના વૃક્ષના તમામ ઘટકો ઔષધીય ગુણોથી ભરપુર છે. આવો, કેરીની અથથી ઇતિ સુધીની ઝલક માણીએ.
વિશ્વમાં કેરીની પ૦૦ જાતો
- પાકી કેરીની છાલ-મધ-આદુના પ્રયોગથી શરીરનું શુદ્ધિકરણ થાય
- ગોટલીનું ચૂર્ણ શરીરે લગાવવાથી પરસેવો બંધ થાય
-આંબાના પાંદડાના રસથી રકતાતિસાર મટે
- આંબાની અંતર છાલ, મૂળિયા, ગુંદ, મોર, ગોટલી, કાચી-પાકી કેરીના અનેક પ્રયોગો
નામો
ગુજરાતીમાં - કેરી, હિન્દીમા - આમ, સંસ્કૃતમાં - આમ્રફલ, ઈગ્લિંશમાં - મેંગો, લેટિન - મેંગીફેરા ઈંડિકા
ઓળખ
આંબાના વૃક્ષો ભારતમાં સર્વત્ર થાય છે. સૌરાષ્ટ્રમાં ગીરની કેસર કેરી પ્રખ્યાત છે. જંગલી, દેશી અને કલમી આંબાની જાતો છે. જંગલી અને દેશી આંબાના ઝાડ ખુબ જ મોટા થાય છે. કલમી આંબાના ઝાડ નાના હોય છે. જંગલી અને દેશી આંબાની ગોટલી વાવી થાય છે. ગોટલીમાંથી થયેલ આંબો ૧૦૦ વર્ષથી વધુ જીવે છે. આંબામાં દર વર્ષે ઉનાળામાં કેરીનો પાક આવે છે. કેરીને ઘાસના દાબમાં રાખીને પકવાય છે. ભારતમાં આંબાના ઝાડથી સૌ કોઇ પરીચીત છે.
ઔષધ
આંબો ઝાડા, કોલેરાની દવા છે. કેરી નબળાઇનું ઔષધ છે. ફળોની રાણી અને સર્વપ્રીય છે.
ઉપયોગી અંગો
આંબાની અંતર છાલ, ગુંદ, પાન, મોર (ફુલ), ફળ, ગોટલી, આંબાના મુળમાં ઔષધીગુણો છે.
ગુણધર્મો
આંબો મધુર, શીતળ, ધાતુવર્ધક, ત્રિદોષનાશક, વીર્યવર્ધક, બળકર, પુષ્ટીકર, ક્રાંતિવર્ધક, વાયુ, શ્વાસ, હરસ, પ્રદર, અરૂચી, પિત, દાહ, લોહીના ઝાડા, તાવ મટાડે છે. આંબાના પાન અને ગોટલી કફ, પિતનાશક, ઝાડા, પાચનવિકાર નાશક છે. આંબાની છાલ શીતળ, તુરી, મલાવરોધક છે. આંબાના પાકા ફળો (કેરી) બળવર્ધક, મુદુ, રેચક, પુષ્ટીકારક છે. આંબાના કાચા ફળો પાચક છતા વધુ સેવન કરવાથી લોહીવિકાર, અંગતોડ, જવર અને આંચકી ઉત્પન્ન કરનારા છે.
કેરીની જાતો
કેશર, આફુસ(હાફુસ), માણેક, તોતાપુરી, લંગડો, નીલમ, જમાદાર, માલગોવા, રાજભોગ, દશેરી, દશહરી, દાડમી, સફેદા, બદામી, દાડમીયા, સરદાર, સિંદુરીયા, રત્નાગીરી, રાજાપુરી વિશ્વમાં કેરીની પ૦૦ ઉપરાંતની જાતો છે.
તત્વો
કાચા ફળોમાં પાણી, સેલ્યુલોઝ, પોટાશ, ટાર્ટરીક, સાઇટ્રીક અને ગેલીક એસીડ છે. પાકા ફળોમાં પાણી, કાર્બન બાય સલ્ફાઇડ, ગેલીક, એસીડ, સાઇટ્રીક એસીડ, ટેનીન, ચરબી, ગુંદર, શર્કરા, સ્ટાર્ચ, વિટામીન-સી, એ, રંગીન પદાર્થ છે.