રાજ્ય સરકારે પરિપત્ર કરીને દરેક કચેરીને તાત્કાલિક અસરથી ફેરફાર કરવા આદેશ આપ્યો
વર્ષો જૂની મોબાઇલ કંપની બદલવા પાછળનું કારણ હજી અકબંધ
ગુજરાતમાં સરકારી કર્મચારીઓ અત્યાર સુધી જે સરકારી મોબાઈલ નંબરનો ઉપયોગ કરતાં હતાં તે વોડાફોન અને આઈડિયાની જગ્યાએ હવે રિલાયન્સના જીયોના નંબર વાપરવા માટે સરકારે પરિપત્ર કરીને જાણ કરી છે. સરકારના પરિપત્ર પ્રમાણે 37.50ના માસિક રેન્ટલ પર જીયોનો સીયુજી પ્લાન લઈ શકાશે. કોઈપણ મોબાઈલ ઓપરેટર કે લેન્ડલાઈન પર ફ્રી કોલિંગ અને 3 હજાર એસએમએસ ફ્રી રહેશે ત્યારબાદ પ્રતિ એસએમએસના 50 પૈસા ચાર્જ લાગશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય એસએમએસ કરવા પર 1.25 રૂપિયાનો ચાર્જ લાગશે.
સરકારી કચેરીઓમાં કહીં ખુશી કહીં ગમ
હવે રાજ્ય સરકારના હજારો મોબાઈલ ફોન પર રિલાયન્સ જીયો ચાલશે. સરકારી કર્મચારીઓ પાસે જે નંબરો છે તે નહીં બદલાય પણ તેની કંપની બદલાઈ જશે. રાજય સરકારે પરિપત્ર પાઠવીને દરેક કચેરીને તાત્કાલિક અસરથી ફેરફાર કરવા આદેશ આપ્યો છે. વર્ષો જૂની મોબાઇલ કંપની બદલવા પાછળનું કારણ હજી જાહેર થયું નથી. પરંતુ કંપની બદલાવાના પરિપત્રથી સરકારી કચેરીઓમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો છે.
મોબાઈલ નંબર એના એજ રહેશે પણ કંપની બદલાશે
ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓ ખાનગી કંપનીઓ વોડાફોન અને આઈડિયાના પોસ્ટપેઈડ મોબાઈલ નંબર વાપરતા હતા. પરંતુ રાજ્ય સરકારે અચાનક એક પરિપત્ર જાહેર કરીને તાત્કાલિક અસરથી કંપનીને બદલવાનો આદેશ આપ્યો છે. સરકાર દ્વારા જીયો સાથે કરાર કરાયા છે જે અંતર્ગત હવે રાજ્યના સરકારી કર્મચારીઓ જીયોના સિમ વાપરશે. જોકે, આ માટે તેઓ મેગા પોર્ટેબિલિટી કરાવશે અને રાજ્યભરના કર્મચારીઓના મોબાઈલ નંબર એના એજ રહેશે પરંતુ તેમની કંપની બદલાઈ જશે
આ પ્રમાણે જીયોના પ્લાનનો ઉપયોગ કરી શકાશે
રિલાયન્સ જીયો સાથે કરાયેલા કરાર અનુસાર સરકારી કર્મચારીઓને પ્રતિમાસ 30 જીબી 4જી ડેટા વાપરવા મળશે. જોકે, પ્લાનમાં એડ કરવા માટે કર્મચારીઓ 25 રૂપિયા ખર્ચવા પડશે. આ સિવાય 60 જીબી 4જી ડેટા વાપરવો હોય તો 62.50નો પ્લાન એડ કરવો પડશે,. 4જીનો અનલિમિટેડ ડેટાનો પ્લાન લેવો હોય તો કર્મચારીઓ માસિક 125નો પ્લાન એડ કરાવવો પડશે. જીયોનો 30 જીબી 5જી ડેટા વાપરવા માટે કર્મચારીઓ 25 રૂપિયા ખર્ચવા પડશે. 60 જીબી 5જી ડેટા વાપરવો હોય તો 62.50નો પ્લાન એડ કરવો પડશે,. ઉપરાંત અનલિમિટેડ 5જી ડેટા વાપરવા માટે મંથલી 125નો ખર્ચવા પડશે.