વાહન માલિકને SMS ટ્રાફિક નિયમ ભંગની નોટિસ જશે
ટ્રાફિક નિયમો તોડતા પહેલાં સાવધાન થઈ જજો. હવે સમગ્ર ગુજરાત માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. જો ઈ મેમોના દંડની રકમ ત્રણ મહિનામાં નહીં ચૂકવાય તો આપોઆપ ટ્રાફિક કોર્ટમાંથી મેમો મોકલવામાં આવશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને RTOના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સફળ સંકલન કરવામાં આવ્યું છે. જેમાં વાહન માલિકના મોબાઈલ નંબર પર SMSદ્વારા નોટિસ આપવામાં આવશે.ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી અમદાવાદની મેટ્રો કોર્ટમાં શરૂઆત થઈ છે.
6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા
અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે. લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ પણ સક્રિય છે. શહેરમાં પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા.હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
નંબર પ્લેટને લઈને પણ સાવધાન
અમદાવાદ શહેરમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેંજર હશે, રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે, BRTS કોરિડોરમાં વાહન ચલાવશો, ફોર વ્હિલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે, ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો તમારા ઘરે આવશે. આ ઉપરાંત જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ ઈ-મેમો આવશે.
નો પાર્કિંગ ઝોનમાં વાહન મુકતા પહેલાં ચેતજો
શહેરમાં 2 કરતા વધારે લોકો ટુ વ્હિલર પર સવાર હશે, ગતિ મર્યાદા નહીં હોય તો ઈ મેમો આવશે.રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે. ચાલકે ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય અને બાઈક ચાલકોએ હેલમેટ નહીં પહેર્યું હોય તો ઈ-મેમો આવશે. શહેરમાં નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે, રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો ઈ-મેમો આવશે.