રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્યપદ્ધતિ અંગેના નિયમો જાહેર કરાયા
માત્ર સરકાર માન્ય રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ ફેસિલિટીમાં સ્ક્રેપ કરી શકાશે
Gandhinagar News ગુજરાત સરકાર દ્વારા RTOની વધુ એક સેવાની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ ફેસિલિટીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવે 15 વર્ષ જુના વાહનોને સ્ક્રેપ કરવા માટે રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્યપદ્ધતિના નવા નિયમો અંતર્ગત ઓનલાઈન અરજી કરી શકાશે. તે ઉપરાંત વાહનને સ્ક્રેપ કરવા માટે માત્ર સરકાર માન્ય રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ ફેસિલિટીમાં સ્ક્રેપ કરી શકાશે.
સ્ક્રેપીંગની કાર્પદ્ધતિ અંગેના નિયમો જાહેર
કેન્દ્ર સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલિટીના રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્પદ્ધતિ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આ નિયમો અંતર્ગત રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસેલિટી મારફતે સ્ક્રેપ કરી શકાશે, જે માટે
https://vscrap.parivahan.gov.in/vehiclescrap/vahan/welcome.xhtml પર અરજી કરવાની રહેશે એમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે. ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ અંગેની પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેનું સમગ્ર રાજ્યમાં અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
RTO કચેરીના મોટાભાગના કામ હવે ઓનલાઇન
સરકાર દ્વારા વિવિધ સેવાઓના લાભ ઝડપથી લોકો સુધી પહોંચે અને કચેરીઓમાં ફાઇલોનું ભારણ ઘટે તે માટે ડિઝિટલ ઇન્ડિયાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ માટે મોટાભાગની સેવાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. RTO કચેરીના મોટાભાગના કામ હવે ઓનલાઇન થઇ ગયા છે. જેમાં નંબર મેળવવાથી લઇને રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઇન થઇ ચૂકી છે.