Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમૂલ્ય વનસ્પતિ વારસો: રાવણ તાડ એ તાડ કુળનું ડાળીઓ ધરાવતું એકમાત્ર અને અજાયબ વૃક્ષ

અમૂલ્ય વનસ્પતિ વારસો: રાવણ તાડ એ તાડ કુળનું ડાળીઓ ધરાવતું એકમાત્ર અને અજાયબ વૃક્ષ
, બુધવાર, 21 ડિસેમ્બર 2022 (10:04 IST)
સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાએ સયાજીબાગની નર્સરીમાં વડોદરાના અમૂલ્ય વનસ્પતિ વારસા જેવા રાવણ તાડના વૃક્ષોના સવાસોથી વધુ રોપાઓનો ઉછેર, શહેરનો ગાયકવાડી કાળનો સમૃદ્ધ વનસ્પતિ વારસો જાળવવાના એક પ્રયાસરૂપે કર્યો છે. એકાદ વર્ષ પહેલાં રોપાયેલા બીજના અંકુરણ ફૂટ્યા બાદ હવે તે અડધો ફૂટ જેટલી ઊંચાઈના થઈ ગયા છે.
 
સામાજિક વનીકરણ વિભાગની કમાટી બાગ નર્સરી ખાતે એકાદ વર્ષ પહેલા તાડના બીજ મંગાવી મધર પેડમાં રેતી અને માટીના મિશ્રણમાં આ બીજને રોપવામાં આવ્યા હતા. તેના કોટા ફૂટ્યા બાદ બેગમાં ભરી નર્સરીમાં રાખવામાં આવ્યા છે. જો કે, અન્ય વૃક્ષો કરતા રાવણ તાડનો વિકાસ બહુ ધીમો છે. તેમ પરિક્ષેત્ર વન અધિકારી કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
 
રાવણ તાડને દિવ તાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે, ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારની માંડી દિવ અને ગીર ગઢડા સુધીના વિસ્તારમાં આ વૃક્ષ મોટા પ્રમાણમાં જોવા મળે છે. રાવણ તાડ ૧૦ મીટર ઊંચું થાય છે અને તેમાં થડની પહોળાઈ આઠ ફૂટ સુધીની હોય છે. પર્ણદંડ ૨૦ સે. મિ. જાડો અને એક મીટર સુધીની લંબાઈ ધરાવે છે. તાડના ફળ રતુંબડા રંગના અને સ્વાદે મીઠા અને તૂરા પણ હોય છે. તેનું આવરણ શ્રીફળ જેવું સખત હોય છે.
 
વનસ્પતિશાસ્ત્રી અને પર્યાવરણ પ્રેમી ડો.જીતેન્દ્ર ગવળીએ જણાવ્યું કે તાડ કુળની (family:palmae) દુનિયાની એકમાત્ર ડાળીઓ ધરાવતી અજાયબી જેવી પ્રજાતિ આ રાવણ તાડ છે. સયાજીરાવ મહારાજે અમરેલીના ઉના વિસ્તારમાંથી બીજ મંગાવી એના રોપ સૌ પહેલા સયાજીબાગમાં ઉછેર્યા હતા. એટલે વડોદરાના રાવણ તાડની ઉંમર અંદાજે સવાસો વર્ષથી વધુ છે. શહેરમાં એના વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે ત્યારે, વન વિભાગ દ્વારા એના રોપાંનો ઉછેર વનસ્પતિ વિવિધતા જાળવવાનું આવકાર્ય પ્રયાસ છે.
 
રાવણતાડની વિશેષતાની જાણકારી આપતા ડો. ગવળીએ જણાવ્યું કે ખજૂરી,સોપારી એ બધા તાડ કુળના વૃક્ષો છે.જે બધા થડ અને એની ઉપર પર્ણોનો મુગટ ધરાવે છે.માત્ર રાવણ તાડ એક થી બે,  બે  થી ચાર,  ચારથી આઠ,  આઠ થી સોળ,  સોળ થી બત્રીસ, બત્રીસ થી ચોસઠ એમ બે ના ગુણાંક માં ડાળીઓ ધરાવે છે. એમ એક થડિયા માથી અનેક ડાળીઓ ધરાવતા રાવણ તાડ માં દરેક ડાળીમાથી પાન જમીનથી પચાસ થી સાઈઠ ફૂટ ઊંચાઈ એ છાયાદાર છત્રી બનાવતા જોવા મળે છે. એની ડાળીઓ ડાયકોટોમી એટલે કે બે ભાગમાં વિભાજીત હોય છે અને આશ્ચર્યની વાત એ છે કે એની આ રીતે વિભાજીત બંને ડાળીઓ લગભગ સરખી લંબાઈ અને સરખી મજબૂતાઇ ધરાવે છે..!! આ પ્રજાતિના જૂનામાં જૂના વૃક્ષો પૂર્વ આફ્રિકામાં અને ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. 
 
તેમના મતે કદાચ આ વૃક્ષને વડોદરાનું હવામાન માફક આવી ગયું છે. જેથી ફળમાંથી આપોઆપ નવા રોપા ઉગી નીકળે છે. શહેરની હિલ મેમોરિયલ હાઈસ્કુલના પ્રાંગણમાં એક નમૂનેદાર અને પૂર્ણ વિકસિત રાવણ તાડ છે. જેને અમૂલ્ય ધરોહર ગણી શકાય. વનસ્પતિવિદ ડો.જીતેન્દ્ર ગવળીના મંતવ્ય અનુસાર સયાજીરાવ મહારાજના વારસા જેવા વડોદરાના રાવણ તાડના વૃક્ષોની ઉંમર અંદાજે સવાસો વર્ષથી વધુ છે. તેમણે વન વિભાગના રાવણ તાડના રોપા ઉછેરીને સયાજી કાળનો વનસ્પતિ વારસો જીવંત રાખવાના આ પ્રયાસને બિરદાવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PIB ખાતે ફેક્ટ ચેક યુનિટે નકલી સમાચાર ફેલાવતી ત્રણ YouTube ચેનલોનો કર્યો પર્દાફાશ