આપણો સમાજ ગમે તેટલો ભણી ગણી લે પણ માનસિકતામાં સુધારો થાય એવુ લાગતુ નથી. નહી તો ફક્ત એક-બે દિવસનાં કાર્યક્રમ માટે કોઈ 20-25 લાખની લોન લે. હા ભાઈ હા આ સાચી વાત છે. આજના યુવાનોને લાગે છે કે દેખાડો કરવાનો શોખ વધતો જઈ રહ્યો છે. લગ્ન તો જીવનમાં એક જ વાર થાય... હા ભાઈ હા.. પણ તેનો આનંદ ઉઠાવવાનો કે પછી જીવનભર રડતા રડતા તેના પણ હપ્તા ચુકવવાના.
લગ્ન માટે લોન લેનારા અમદાવાદી યુવાનોની સંખ્યા પણ દર વર્ષે વધી રહી છે. એક ખાનગી કંપનીએ રજૂ કરેલા રિપોર્ટ મુજબ વર્ષ 2018-19ની સરખામણીમાં 2019-20માં લગ્ન માટે લોન લેનારા યુવાનોની સંખ્યામાં 14 ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં પણ યુવાનો લગ્ન માટે 2થી 30 લાખ રૂપિયા સુધીની લોન લે છે.
મહાનગરોમાં મુંબઈમાં લગ્ન માટેની લોનની અરજીમાં 51 ટકા, નવી દિલ્હીમાં 98 ટકા, બેંગ્લોરમાં 44 ટકા, છેન્નાઈમાં 17 ટકા અને કોલકાતામાં 67 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી તો સામે હૈદરાબાદમાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નાના શહેરોમાં અમદાવાદમાં 14 ટકા, જયપુરમાં 18 ટકા, લખનૌમાં 39 ટકા, ઇન્દોર 28 ટકા અને વિઝાગમાં 39 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી તો ચંડીગઢમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ઇન્ડિયાલેન્ડ્સનાં ડેટા મુજબ, ઋણધારકો જ્વેલરી, લગ્નનાં સ્થળ, કેટરિંગ જેવી લગ્નની વ્યવસ્થાઓ તથા મહેમાનો માટેની ગોઠવણો જેવી લગ્ન સાથે સંબંધિત જુદી જુદી સુવિધાઓની ચુકવણી કરવા માટે ત્રણથી ચાર મહિના અગાઉ લોન માટે અરજી કરે છે. આ લોનની રેન્જ રૂ.2 લાખથી રૂ.3૦ લાખની હોય છે. અગાઉનાં વર્ષનાં ડેટા સાથે વર્ષ 2019-20 ના ડેટાની સરખામણી કરીને ઇન્ડિયાલેન્ડ્સે વેડિંગનાં ઉદ્દેશ માટે પર્સનલ લોનમાં 30 ટકાની વૃદ્ધિ થઈ હોવાનું જણાવ્યું છે. રસપ્રદ બાબત એ છે કે, કુલ વેડિંગ લોન એપ્લિકેશનમાં જનરેશન-વાય કે મિલેનિયલ્સનો હિસ્સો 84 ટકા છે.