Publish Date: Wed, 30 Sep 2026 (15:04 IST)
Updated Date: Wed, 30 Sep 2026 (15:06 IST)
દર મહિનાની જેમ 1 ઓક્ટોબર, 2026થી પણ બેંકિંગ, ડિજિટલ પેમેન્ટ અને ઘરેલું બજેટ સાથે જોડાયેલા અનેક મહત્ત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. કેટલાક ફેરફારોને કારણે તમારા ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે, જ્યારે કેટલાક નિયમોથી નાણાકીય વ્યવહારોમાં વધુ પારદર્શિતા આવશે. આ ફેરફારોની અસર તમારા નાણાકીય વ્યવહારો પર પડી શકે છે, તો કેટલાક કિસ્સાઓમાં રાહત પણ મળી શકે છે. તેથી, તમારા પૈસા અને રોજિંદા વ્યવહારો સાથે જોડાયેલા નિયમોમાં થતા ફેરફારો વિશે જાણકારી રાખવી જરૂરી છે. ચાલો, આ 5 મોટા ફેરફારો વિશે વિગતવાર જાણીએ.
1. SBI ATMમાંથી પૈસા ઉપાડવાની મફત મર્યાદા ઘટશે
જો તમારું SBIમાં સેલેરી એકાઉન્ટ છે અને તમે અન્ય બેંકોના ATMમાંથી રોકડ ઉપાડો છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. 1 ઓક્ટોબર, 2026થી અન્ય બેંકોના ATM અને ઓટોમેટેડ ડિપોઝિટ-કમ-વિડ્રોઅલ મશીનો (ADWMs) પર મળતા મફત ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં ઘટાડો થશે.
SBIના તમામ સેલેરી પેકેજ એકાઉન્ટ માટે અન્ય બેંકોના ATM પર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા દર મહિને 10થી ઘટાડીને 5 કરવામાં આવશે. આ મર્યાદા નાણાકીય અને બિનનાણાકીય, બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન પર લાગુ પડશે.
જોકે, બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટમાં પહેલાંની જેમ દર મહિને 4 મફત ટ્રાન્ઝેક્શનની સુવિધા ચાલુ રહેશે. આ મર્યાદા કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર દરેક ટ્રાન્ઝેક્શન માટે ₹15 ઉપરાંત GST ચૂકવવો પડશે. જોકે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન પહેલાંની જેમ જ મફત અને અમર્યાદિત રહેશે.
2. UPI પેમેન્ટ: ₹2,000થી વધુના વેપારી વ્યવહારો પર MDR
ઓક્ટોબર મહિનામાં UPI વપરાશકર્તાઓ માટે પણ એક મહત્ત્વનો ફેરફાર થવાનો છે. 15 ઓક્ટોબર, 2026થી પસંદગીના વેપારી UPI ટ્રાન્ઝેક્શન, ખાસ કરીને ₹2,000થી વધુના પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવાની જોગવાઈ છે.
જોકે, 2,000 સુધીના પેમેન્ટ અથવા ઝીરો-MDR વ્યવસ્થા હેઠળ આવતા નાના વેપારીઓના ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લાગશે નહીં. પરિણામે, પિયર-ટુ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શનમાંથી લગભગ 96 ટકા વ્યવહારો પર કોઈ અસર નહીં થાય.
આ ઉપરાંત, તમામ વેપારીઓ માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એકસરખો નહીં હોય. તે વેપારીના ઉદ્યોગ અથવા કેટેગરી પર આધારિત રહેશે.
આ મામલે સુપ્રીમ કોર્ટે 2,000થી વધુના પસંદગીના UPI P2M ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા MDR લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર વચગાળાનો પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે આ અંગે કેન્દ્ર સરકાર, ભારતીય રિઝર્વ બેંક (RBI), નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસ પણ જારી કરી છે.
3. NPSમાં નવા ખાતા માટે ₹200ની એકમુશ્ત ફી
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં રોકાણ કરવાની યોજના બનાવી રહેલા નવા રોકાણકારો માટે 'પોઇન્ટ્સ ઑફ પ્રેઝન્સ' (PoPs)ના ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
PoP મારફતે નવું NPS ખાતું ખોલાવવા અને પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર (PRAN)ની નોંધણી કરાવવા માટે હવે ₹200ની એકમુશ્ત ઑનબોર્ડિંગ ફી ચૂકવવી પડશે.
પેન્શન ફંડ નિયામક અને વિકાસ સત્તામંડળ (PFRDA) અનુસાર, આ રકમ ગ્રાહકના ખાતામાંથી એક જ વખત કાપવાને બદલે નિર્ધારિત વ્યવસ્થા હેઠળ વસૂલવામાં આવશે.
4. બલ્ક FD: વ્યાજદર જાહેર કરવાનો સમય નક્કી થશે
ઓક્ટોબરથી બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થવાનો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા નિયમો 1 ઓક્ટોબર, 2026થી લાગુ થવાના છે.
આ નિયમો હેઠળ બેંકોએ બલ્ક ડિપોઝિટ પર લાગુ પડતા વ્યાજદરની અગાઉથી જાણકારી આપવી પડશે. આ ઉપરાંત, બેંકોએ દરરોજ સવારે 10 વાગ્યે બલ્ક ડિપોઝિટ માટે લાગુ પડતા વ્યાજદર જાહેર કરવા પડશે.
સામાન્ય રીતે, સમાન પ્રકારની બલ્ક FD માટે એકસરખો વ્યાજદર આપવાનો રહેશે. જોકે, જમા કરવામાં આવેલી રકમ પર લાગુ પડતા લિક્વિડિટી કવરેજ રેશિયો (LCR)ના આધારે વ્યાજદરમાં તફાવત રાખવાની છૂટ મળી શકે છે.
5. LPG સબસિડી માટે આધાર ઓથેન્ટિકેશન જરૂરી
LPG ગ્રાહકોએ પણ ઓક્ટોબર શરૂ થાય તે પહેલાં એક મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવું જરૂરી છે. જે ઘરેલું LPG ગ્રાહકોએ હજુ સુધી બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (BAA)ની પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તેમણે 1 ઓક્ટોબર, 2026 પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ નહીં કરાવવાથી સબસિડીવાળા LPG સિલિન્ડરનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગ્રાહકો નિયંત્રિત વેચાણ કિંમત (RSP) પર LPG રિફિલ બુક કરાવી શકશે અને લાગુ પડતી સરકારી સબસિડીનો લાભ મેળવી શકશે.
તેથી, જે LPG ગ્રાહકોનું બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન હજુ બાકી છે, તેમના માટે ઓક્ટોબર શરૂ થાય તે પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે