રથયાત્રાના દિવસે નવા વાહનો સહિત નવી વસ્તુઓ ખરીદવાની શહેરીજનોમાં માન્યતા છે. આ વર્ષે પણ રથયાત્રાના દિવસે વાહનોનું ધૂમ વેચાણ થયું હતું. રથયાત્રાના દિવસે 158 કરોડથી વધુ કિંમતના નવા ટૂ વ્હીલર અને કારનું વેચાણ થયું હતું. ડીલરોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં રથયાત્રાના દિવસે અંદાજે 4000 જેટલા નવા ટૂ વ્હીલરનું વેચાણ થયું હતું. બાઇકની એવરેજ કિંમત રૂપિયા 65 હજાર ગણીએ તો અંદાજે 26 કરોડના ટૂ વ્હીલર વાહનો વેચાયા હોવાનું મનાય છે. જ્યારે ઓછી અને વધુ કિંમતની મળી અંદાજે 2200 જેટલી કારો વેચાઇ હતી.
રથયાત્રાના દિવસે પણ ટૂ વ્હીલર અને કારમાં ડિસ્કાઉન્ટની સ્કીમ અને કેટલાક ડીલરોએ ઇન્સ્યોરન્સથી લઇ એસસરીઝ સુધીનો લાભ આપ્યો હતો. બીજીતરફ આરટીઓમાં વાહન-4 સોફ્ટવેર આવ્યા બાદ સમગ્ર સિસ્ટમ બદલાઇ ગઇ છે. જો કે હાલ વાહનનું વેચાણ તો થઇ ગયું છે. પરંતુ હજી રથયાત્રા અગાઉના ફોર્મની એન્ટ્રીઓ બાકી હોવાથી આજની છ હજારથી વધુ વાહનોની એન્ટ્રીઓ ક્યારે થશે, તેને લઇને પણ ડીલરોમાં ચિંતા છે. આરસીબુકનો વધુ બેકલોગ પણ ઊભો છે. જો કે તહેવારોમાં ડીલરોએ નવા વાહનોનું વેચાણ કરી લીધું છે.