ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે બાજરીના લોટમાંથી બનેલા ખાદ્યપદાર્થો પરનો GST વર્તમાન 18% GSTથી ઘટાડીને 5% કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વિજ્ઞાન ભવનમાં GST કાઉન્સિલની 52મી બેઠક ચાલી રહી છે. આ સિવાય ઘણા પેન્ડિંગ રિફોર્મ એજન્ડા પર ચર્ચા થઈ રહી છે.
બાજરીનો લોટ તેના પોષક મૂલ્ય અને સ્વાસ્થ્ય લાભો માટે જાણીતો છે. બાજરીના ઉત્પાદનોએ ભારતમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકોમાં લોકપ્રિયતા મેળવી છે. બાજરીના લોટમાંથી બનેલી ખાદ્ય ચીજવસ્તુઓ પર જીએસટી દર ઘટાડવાનો સરકારનો ઉદ્દેશ્ય આ પૌષ્ટિક ખાદ્ય ચીજોની જનતાની પહોંચ વધારવાનો છે.
ભારત 2023ને 'બાજરી વર્ષ' તરીકે ઉજવી રહ્યું છે અને સરકાર બાજરીના ઉત્પાદન અને વપરાશને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરી રહી છે. અગાઉ, કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે કહ્યું હતું કે બાજરી આબોહવા અનુકૂળ છે અને ઓછા પાણી અને ખાતર અને જંતુનાશકોના ન્યૂનતમ ઉપયોગ સાથે ઉગાડી શકાય છે. ખેડૂતો, પર્યાવરણ અને ગ્રાહકો માટે બાજરીને સારો પાક બનાવવા માટે સરકાર 'મિશન મોડ' પર કામ કરી રહી છે.
GST કાઉન્સિલની બેઠક સવારે 10 વાગ્યાથી સુષ્મા સ્વરાજ ભવન ખાતે યોજાઈ હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તેની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણા મંત્રીઓ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ હાજર હતા.