PAYTMથી પેમેન્ટ કરીને નકલી મેસેજ બતાવી વેપારીઓને ઠગતાં ભેજાબાજ ઠગોની ઝોન-2 એલસીબી દ્વારા એક સપ્તાહ પહેલાં જ ધરપકડ કરાઈ છે. આરોપીઓ અનાજ અને કરિયાણાની દુકાનના વેપારીઓને ડીજીટલ ટ્રાન્જેક્શનના ખોટા મેસેજો આપીને કરિયાણાની ચીજ-વસ્તુઓ ખરીદી કરતા હતા. પરંતુ હજી પણ વેપારીઓને છેતરવા માટે સાઇબર ગઠિયા અવનવી યુક્તિ અપવાની રહ્યા છે. હવે અમદાવાદમાં શાહપુરમાં પાનના ગલ્લાના વેપારી પાસે પાન મસાલા તથા બિસ્કીટના પેકેટો સહિતની 3 હજાર રૂપિયાની ખરીદી કર્યા બાદ આરોપી બેન્ક જેવો જ ખોટો પેટીએમ મેસેજ કરીને માલ સામાન લઇને જતો રહ્યો હતો. આ બનાવ અંગે શાહપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
માધુપુરા,ખાનપુર,લાલદરવાજા બાદ શાહપુના વેપારી સાથે ઠગાઇ
શાહપુરમાં મીલ કમ્પાઉન્ડ પાસે વિનયગોસની બાજુમાં ત્રીજા માળે રહેતા અને મીલ કમ્પાઉન્ડ ખાતે સી.ટી ગોલ્ડ પાન પાર્લર એન્ડ બેકરી નામની દુકાન ધરાવતા સરવરઅલી કૌશરઅલી અંસારીએ શાહપુર પોલીસે સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 18ના રોજ બપોરે અઢી વાગે કોઇક અજાણી વ્યક્તિએ આવીને પાન મસાલા તથા સિગારેટ પેકેટ અને બિસ્કીટના પેકેટ સહિત કુલ 3 હજારની ખરીદી કરી હતી અને દુકાનદારને પીટીએમ કરીને બેન્ક જેવો ખોટો મેસેજ કરીને નાસી ગયો હતો. વેપારીએ બેન્કમાં તપાસ કરતાં તેમના ખાતામાં કોઇ રૂપિયા જમા થયા ન હતા.
કરિયાણાની દુકાનના વેપારીને ઠગનારા બે પકડાયા હતાં
તાજેતરમાં પણ લાલદરવાજામાં સામાનની ખરીદી કરી હતી અને માધુપુરા માર્કેટ તથા ખાનપુરમાં તેલના વેપારી પાસેથી 5100ના તેલના ડબ્બા ની ખરીદી કરીને વેપારીને બેન્કમાંથી આવે તેવો પેટીએમનો મેસેજ કરીને તેલના ડબ્બા લઇને છેતરપીડી કરવામાં આવી હતી. આ ગુનામાં ઝોન-2 DCPની LCBએ તપાસ કરી આસિફ અનવર શેખ અને રિઝવાન ઉર્ફે કાંટા ઈમ્તિયાઝ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે અન્ય લોકોને પણ છેતરપિંડીથી બચવા અપીલ કરી
પોલીસે પ્રજાને જાગૃત રહેવાની સલાહ આપી છે કે આ પ્રકારે કોઈ પણ મળતા મેસેજ પર વિશ્વાસ ન કરવો અને કોઈપણ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના મેસેજ આવે તો પોતાનું બેંક એકાઉન્ટ પણ એક વખત ચોક્કસથી ચેક કરી લેવું જોઈએ. જેથી કરીને આવી છેતરપિંડીનો ભોગ બનતા અટકાવી શકાય. આ સહિત પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હોય તો તે ઝોન-2 સ્ક્વોડ એટલે કે કારંજ પોલીસ સ્ટેશનની ઉપર આવેલી ઓફિસનો સંપર્ક કરી શકે છે. હાલ તો કારંજ, માધુપુરા અને શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે.