અરવલ્લી જિલ્લામાં 4500 ખેડૂતો પાસેથી મગફળી ખરીદાઇ, નાણાં ચૂકવ્યા માત્ર 36ને
, બુધવાર, 18 ડિસેમ્બર 2019 (12:06 IST)
ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાના એક મહિનાના સમયગાળામાં નાફેડે 60 હજાર ક્વિન્ટલ મગફળીની ખરીદી કરી છે. 4500 ખેડૂતો પૈકી નાફેડ દ્વારા 36 ખેડૂતોને જ મગફળીના નાણાંની ચુકવણી કરાઇ છે. બાકીના ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. નાણાંની તાતી જરૂરિયાત હોવાથી સત્વરે ખેડૂતોને પેમેન્ટ ચુકવવામાં આવે તેવી માગણી ઉઠી છે. ટેકાના ભાવે મગફળી ખરીદીને એક માસ પૂર્ણ થયો હોવા છતાં 4500 ખેડૂતો પૈકી જિલ્લાના 36 ખેડૂતોને જ મગફળીના પેમેન્ટનું ચુકવણું કરાયું છે.
બાકીનાં ખેડૂતોને હજી ચુકવણું બાકી છે. ખેડૂતોને પેમેન્ટ ચુકવવામાં મંથર ગતિએ કામ ચાલતું હોવાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મોડાસા તાલુકાના ખેડૂત રમેશભાઇએ જણાવ્યું કે, ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીને વેચ્યાને એક મહિનો થવા આવ્યો છે. આગળ લગ્ન સિઝન હોવાથી અને બજરમાં ઉછી-ઉધાર કરેલાં નાણાંનું ચુકવણી કરવા રૂપિયાની તાતી જરૂરિયાત છે. આવા કારમા સમયે રૂપિયાની સમયસર પાકના નાણાં મળે તેવી માગણી છે. મોડાસા પુરવઠા મામલતદાર જે.એન.કટારાએ જણાવ્યું કે,જિલ્લામાં 60 હજાર ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જૈ પૈકી 36 ખેડૂતોને નાણાં ચુકવવામાં આવ્યા છે. બાકીનાં ખેડૂતોને ચુકવણું કરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંક સમયમાં ખેડૂતોનાં ખાતામાં નાણાં જમા થઇ જશે.
આગળનો લેખ