વાળ જો આકર્ષક હશે તો તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. પણ સુંદર અને આકર્ષક વાળ ત્યારે જ મેળવી શકાય જ્યારે તેની યોગ્ય માવજત કરવામાં આવે. હોળી નજીક આવી રહી છે. હોળી રમતી વખતે જાણતા-અજાણતા તમારા વાળમાં રંગ લાગી જ જાય છે અને શરૂ થઇ જાય છે વાળને લગતી સમસ્યાઓનો સિલસિલો. જોકે, રંગો વગરની હોળી કલ્પવી પણ મુશ્કેલ છે. આવામાં વાળની સમસ્યાઓથી બચવા, તેની સુંદરતા યથાવત રાખવા અને સાથેસાથે મજેદાર હોળી રમવા કેટલીક સાવધાનીઓ રાખવાની જરૂર છે. આ માટે તમારે આવી રહેલી હોળી દરમિયાન તમારા વાળની ખાસ દેખરેખ રાખવી પડશે.
વાળની માવજત માટેના કેટલાક ઉપાયો...
હેર ઓઇલ - વાળમાં તેલ લગાવવાથી હંમેશા ફાયદો થાય છે. પણ હોળી રમતા પહેલા જરૂરી છે વાળમાં સારી રીતે તેલ લગાવવામાં આવે. કારણ કે રંગોમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે જે વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવામાં નારિયેળ તેલ, ઓલિવ ઓઇલ કે મસ્ટર્ડ ઓઇલ વધારે લાભદાયક હોય છે. તેલ લગાવતી વખતે ધ્યાન રહે કે તેને વાળના મૂળમાં લગાવવામાં ન આવે. ડૉક્ટરની સલાહ અનુસાર તેલ જો મૂળમાં લગાવવામાં આવશે તો રંગ પણ એટલા જ ઊંડે સુધી ચોંટેલા રહેશે જે વાળ માટે બહુ નુકસાનદાયક છે.
વાળમાં રંગ ન લગાવશો - પ્રયાસ કરો કે વાળમાં રંગ ન લાગે. તેમ છતાં જો જાણતા-અજાણતા રંગ લાગી પણ જાય તો તેને તુરંત જ ધોઇ લો. સુરક્ષાની દ્રષ્ટિએ તમે વાળને ઢાંકીને ધૂળેટી રમી શકો છો. માથા પર રૂમાલ બાંધીને કે પછી કેપ પહેરીને પણ રમી શકો છો.
વાળને સાફ રાખો - સાંભળવમાં થોડું અજીબ લાગશે, તમને થશે કે એમ પણ હોળી રમવાથી વાળ ખરાબ થવાના છે તો તેને સાફ રાખવાની જરૂર શું છે. પણ ડૉક્ટર અનુસાર જે વાળમાં પહેલેથી જ ગંદકી કે ખોડો હોય છે તે સાફ થાય તે જરૂરી છે નહીં તો રંગોની સાથે તે ગંદકી પણ વાળમાં ચોંટી જશે અને આનાથી ફંગલ ઇન્ફેક્શન કે પછી વાળ નબળા થવાનું જોખમ સર્જાશે.
વાળને બાંધીને રાખો - તમારા વાળ લાંબા હોય તો પ્રયાસ કરો કે તેને બાંધીને જ રાખવામાં આવે. વાળ એવી રીતે બાંધો કે જેનાથી વાળના મૂળ વ્યવસ્થિત રીતે ઢંકાઈ જાય, આનાથી તમે મૂળમાં રંગ ભરાતો રોકી શકશો.
સારા રંગોનો પ્રયોગ કરો - વાળમાં રંગ લાગતો તો તમે નહીં રોકી શકો પણ તમે પ્રયાસ કરો કે કોઇ રંગ કે હર્બલ રંગોનો જ ઉપયોગ કરે. ખરાબ ગુણવત્તા ધરાવતા રંગ, ગ્રીસ કે પછી પેઇન્ટ વગેરે વાળમાં ન લાગે તેનું ધ્યાન રાખો. તમે તમારા વાળને પ્રેમ કરો છો અને હોળી પર ખૂબ ધમાલ કરવા પણ ઇચ્છો છો તો તમારે તમારા વાળની કાળજી માટેના પગલા ભર્યા પછી ધૂળેટી રમવી.