Publish Date: Tue, 28 Apr 2026 (15:50 IST)
Updated Date: Tue, 28 Apr 2026 (15:56 IST)
સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી-2 બેઠક પર ભાજપના ઉમેદવાર રાજુ કરપડાએ ભવ્ય જીત હાંસલ કરી છે. આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાએ 2502 મતોના જંગી અંતરથી વિજય મેળવ્યો છે. નોંધનીય છે કે સવારે મીડિયામાં તેમની હારના ભ્રામક સમાચાર વહેતા થયા હતા, પરંતુ અંતિમ પરિણામ જાહેર થતા જ તેમના સમર્થકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. આ જીત સાથે રાજુ કરપડાએ સાબિત કર્યું છે કે પક્ષ બદલ્યા બાદ પણ જનતાનો તેમના પરનો ભરોસો અકબંધ છે.
15 પૈકી 9 મનપામાં ભાજપનું એકચક્રી શાસન
રાજ્યની 15 મહાનગરપાલિકાઓના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ દબદબો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 9 મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું છે. જેમાં વાપી, મોરબી, નવસારી, નડિયાદ, કરમસદ-આણંદ, મહેસાણા, ભાવનગર, રાજકોટ અને પોરબંદર મનપાનો સમાવેશ થાય છે. આ પરિણામો દર્શાવે છે કે શહેરી મતદારોએ વિકાસના મુદ્દે ફરી એકવાર ભાજપ પર કળશ ઢોળ્યો છે.
તાલુકા અને જિલ્લા પંચાયતોના તાજા આંકડા
ચૂંટણી પંચના લેટેસ્ટ ડેટા મુજબ, રાજ્યની 260 તાલુકા પંચાયતોમાં ભાજપે 1,347 ઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસના ફાળે 284 બેઠકો ગઈ છે. તેવી જ રીતે 34 જિલ્લા પંચાયતોની 316 બેઠકો પર ભાજપે કબજો કર્યો છે, જેની સામે કોંગ્રેસ માત્ર 35 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ વિરોધ પક્ષો ભાજપની વિજયકૂચ રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
નગરપાલિકાઓમાં વિજયનો સીલસીલો
રાજ્યની અનેક મહત્વની નગરપાલિકાઓમાં ભાજપનું શાસન નિશ્ચિત બન્યું છે. કેશોદ, તાલાલા, વિસનગર, ગોંડલ, ઈડર, સિદ્ધપુર, હિંમતનગર અને બાબરા જેવી પાલિકાઓમાં ભાજપે બહુમતી મેળવી લીધી છે. બપોરે 2 વાગ્યા સુધીના ટ્રેન્ડ્સ મુજબ સમગ્ર ગુજરાતના રાજકીય નકશા પર કેસરીયો રંગ છવાયેલો જોવા મળી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમુક સીમિત બેઠકો પર જ જીત મેળવી શકી છે.
મતદારોનો ભાજપ પર અતૂટ ભરોસો
સમગ્ર ગુજરાતમાં અત્યારે કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને ગ્રામીણ સ્તરની પંચાયતો સુધી ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ પરિણામો ભાજપ માટે સંગઠનાત્મક શક્તિ અને જનસંપર્કનો વિજય છે. બીજી તરફ, વિપક્ષ માટે આ પરિણામો આત્મમંથનનો વિષય છે, કારણ કે અનેક ગઢ ગણાતા વિસ્તારોમાં પણ તેમનો પરાજય થયો છે.