છોટાઉદેપુર જિલ્લામાં પંચાયતની ચૂટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે મુંબઈની મોડેલ પણ વતનમાં સરપંચ પદ માટે ચૂટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે. છોટા ઉદેપુરના સંખેડા તાલુકાનાં કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે ત્યારે ચાર ચાર મહિલાઓએ ઉમેદવારી કરી છે. જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા (નિપા) પટેલે પણ સરપંચ પદ માટે ઉમેદવારી કરી છે.એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે અને અત્યારસુધીમાં તેણે પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ જેવી લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. તેણે શાહરુખખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે.તેણે આ ચૂંટણી માટે કેમ ઝંપલાવ્યું તે અંગે જણાવ્યું હતું કે, હું દુનિયાના ઘણાં દેશમાં ફરી છું. ડેવલોપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહિ ? એટલે મને થયું કે મારે કાંઈક કરવું જોઈએ. નોંધનીય છે કે એશ્રાના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે, તેમજ તા.પં.ના સભ્ય અને એપીએમસી, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. જ્યારે તેમનાં માતા મીનાક્ષીબેન એક ગૃહિણી છે.