Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજસ્થાનની અસર ગુજરાતમાં થશેઃ ચૂંટણી ટાણે જ અશોક ગેહલોત અને પ્રભારી રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસમાં ધ્યાન નહી આપે

રાજસ્થાન
, સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (12:16 IST)
રાજસ્થાનની રાજનીતિ એક નવા મોડ પર આવી ગઈ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવવાની તૈયારી ચાલી રહી છે. તેમના સ્થાને મુખ્યમંત્રી તરીકે હાઈકમાન્ડની પસંદગી સચિન પાયલોટ છે, પરંતુ પાયલટના નામને લઈને ગેહલોત જૂથમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ધારાસભ્ય દળની બેઠક પહેલા જ ગેહલોત જૂથના 70 જેટલા ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીના ઘરે જઈને રાજીનામાં સોંપી દીધા છે. ત્યારે હવે રાજસ્થાનની રાજકીય ઉથલપાથલ વચ્ચે ચૂંટણી ટાણેજ 
ગુજરાત કોંગ્રેસનું શું થશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે ગુજરાત કોંગ્રેસમાં ઓબ્ઝર્વર તરીકે અશોક ગેહલોત અને પ્રભારી તરીકે રઘુ શર્મા રાજસ્થાનના છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપી છે. તે ઉપરાંત રાજસ્થાનના આરોગ્યમંત્રી ડો. રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવ્યાં છે. હવે ચૂંટણી ટાણે જ રાજસ્થાનનામાં મોટી રાજકીય ઉથલપાથલ થવાથી બંનેમાંથી એક પણ નેતા ગુજરાત કોંગ્રેસમાં ધ્યાન આપી શકે તેમ નથી. ગુજરાતમાં સપ્ટેમ્બરના અંતમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની છે. તે ઉપરાંત આગામી સમયમાં પ્રિયંકા ગાંધીનો રોડ શો પણ થવાનો છે. ત્યારે રાજસ્થાનની ઉથલપાથલમાં ગુજરાતને ભારે નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાનમાં આ પ્રકારની સ્થિતિથી કોંગ્રેસને કોઈ નુકસાન નથી કારણ કે ત્યાં મુખ્યમંત્રી તો કોંગ્રેસના જ બનશે. પરંતુ આ ઘટનાની અસર ગુજરાત પર ખુબ જ ઉંડી પડશે. ગુજરાતમાં કોંગ્રેસને આ વખતે કંઈક નવું થવાની આશા હતી તેના પર હવે પાણી ફરી વળ્યું છે. કારણ કે વિવાદમાં રહેલા નેતાઓ પૈકી 2 નેતાઓ તો સીધી જ રીતે ગુજરાત સાથે સંકળાયેલા છે. અશોક ગહેલોત રાજસ્થાનના મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઇન્ચાર્જ પણ છે. જ્યારે રધુ શર્મા ગુજરાતના પાર્ટી ઇન્ચાર્જ છે. હવે રાજસ્થાનમાં જ રાજકીય ઉથલપાથલ વચ્ચે આ બંન્ને નેતા પૈકી એક પણ નેતા ગુજરાત પર ધ્યાન આપી શકે તેમ નથી.બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે પરિવારવાદ અને જુથવાદનો સામનો કરી રહેલ કોંગ્રેસ માટે હવે રાજસ્થાનમાં પેદા થયેલી સ્થિતિના કારણે ભારે અસહજ થવું પડી રહ્યું છે. જેની સીધી અસર ગુજરાત પર પણ પડી રહી છે. ગુજરાત કોંગ્રેસ માટે તો આ ઘટનાક્રમ દુષ્કાળમાં અધિકમાસ સમાન છે. ગુજરાત કોંગ્રેસ પહેલાથી જ જુથવાદને ખાળવા માટે મથી રહ્યું છે.તેવામાં આ તમામ મુદ્દાને બાંધીને ચાલતા નેતા અશોક ગેહલોત અને રઘુ શર્મા બંન્ને હવે પોતાના રાજ્યમાં વ્યસ્ત છે ત્યારે ગુજરાતમાં સ્થિતિ વિપરિત બની શકે છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવે અને સ્થિતિ બરોબર ચૂંટણી પહેલા જ ડામાડોળ થાય તેવી શક્યતા સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજથી 2 દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતમાં, તમામ જિલ્લા કલેક્ટરો-પોલીસ વડાઓ સાથે કરશે બેઠક