ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ સમાજ પોતાનું પ્રભુત્વ દર્શાવવાના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે ગુજરાતમાં 50 બેઠક પર પાટીદારનું પ્રભુત્વ અને 25 બેઠક પર નિર્ણાયક ભૂમિકા હોવાનું કહી મહત્તમ ટિકિટ મેળવવાના પ્રયાસ કરાશે એમ કહેતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીવાળી બેઠક પર પણ પાટીદારને ટિકિટ મળે એ માટેના પ્રયાસ કરાશે, એવા વિધાનથી અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા.
સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે લેઉવા અને કડવાનો કોઇ મુદ્દો નથી, પાટીદારોની છ સંસ્થાના પ્રતિનિધિઓ મુખ્યમંત્રીને મળ્યા હતા અને લવ-જેહાદ મુદ્દે રજૂઆત કરી હતી. આગામી ચૂંટણી અંગે તેમણે કહ્યું હતું કે દરેક સમાજને ટિકિટ માગવાનો અધિકાર છે, પરંતુ ટિકિટ આપવી કે નહીં એ પાર્ટીનો વિષય છે. ગુજરાતમાં વિધાનસભાની ગત ચૂંટણીમાં શાસક ભાજપે 50 પાટીદારને ટિકિટ આપી હતી.50 બેઠક પર પાટીદારનું પ્રભુત્વ છે અને 25 બેઠક પર પાટીદાર નિર્ણાયક છે. આગામી ચૂંટણીમાં મહત્તમ ટિકિટ પાટીદારોને મળે એવી રજૂઆત કરવામાં આવશે. રાજકોટની બેઠક અંગે જયરામભાઇએ કહ્યું હતું કે વિધાનસભા 69 એટલે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા એ બેઠક પર કડવા પાટીદારનું પ્રભુત્વ હોવાથી આ બેઠક પર પણ ભાજપ કડવા પાટીદારને ટિકિટ આપે એવી રજૂઆત આગામી દિવસોમાં કરવામાં આવશે. પાટીદાર આગેવાને ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ટિકિટનો મુદ્દો છેડતાં અને એમાં પણ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીવાળી બેઠકની માગ થતાં આગામી દિવસોમાં રાજકારણ વધુ ગરમાશે એવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.